Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

બિલકીસબાનો ગેંગરેપ હત્યા કેસ : નિવૃત્તિના માત્ર એક દિવસ અગાઉ આઈપીએસ ભગોરા સસ્પેન્ડ

દાહોદના ડૉક્ટર દંપતી અરુણ પ્રકાશ અને સંગીતા પ્રકાશને પણ સસ્પેન્ડ કરાયા

ગુજરાતમાં 2002નાં રમખાણોમાં બહુચર્ચિત બિલકીસબાનો સામૂહિક દુષ્કર્મ અને હત્યાના કેસમાં આખરે ગુજરાત સરકારે આઈપીએસ અધિકારી આર. એસ. ભગોરાને સસ્પેન્ડ કર્યા છે.

આર. એસ. ભગોરાને આ કેસમાં ફરજ પરત્વે બેદરકારી અને પુરાવાનો નાશ કરવાનો આરોપ હતો. ભગોરા ઉપરાંત આ કેસમાં આરોપી એવા દાહોદના ડૉક્ટર દંપતી અરુણ પ્રકાશ અને સંગીતા પ્રકાશને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે પીડિતે સુપ્રીમ કોર્ટમાં આ અંગે મુદ્દો ઉપસ્થિત કર્યો હતો. બિલકીસબાનોએ કહ્યું હતું કસૂરવાર ઠરેલા લોકોને તો સજા થઈ પરંતુ આ કેસમાં ફરજ નહીં બજાવનારા પોલીસ અને અન્ય અધિકારીઓ સામે પણ પગલાં લેવા જોઈએ. આને લઈને સુપ્રીમ કોર્ટે સરકારને પગલાં લેવા આદેશ કર્યો હતો.

આર. એસ. ભગોરા 31 મેના રોજ નિવૃત્ત થવાના હતા અને સરકારે એમને નિવૃત્તિના એક દિવસ અગાઉ 30મેના રોજ સસ્પેન્ડ કર્યા છે.

અગાઉ ગત મહિને સુપ્રીમ કોર્ટે બિલકીસબાનોને સરકારી નોકરી અને 50 લાખનું વળતર આપવાનો ગુજરાત સરકારને આદેશ કરેલો છે.

(10:21 am IST)