Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

કલગી ફાઉન્ડેશન ૯મીએ ૩૦ દિવ્યાંગ રત્નોનું સન્માન કરશે

યુનિવર્સિટીના સેનેટ હોલ ખાતે દિવ્યાંગ રત્ન એવોર્ડઃ કાર્યક્રમમાં આકર્ષણ જમાવવા ગુજરાતી કલાકારો કિંજલ દવે, જીગ્નેશ કવિરાજ સહિતના કલાકારો હાજરી આપશે

અમદાવાદ,તા.૭; ગુજરાતમાં સૌપ્રથમવાર દિવ્યાંગ દિકરી કલગીના કલગી ફાઉન્ડેશન દ્વારા રાજયના વિવિધ ક્ષેત્રમાં નામના મેળવનાર ૩૦ દિવ્યાંગોને દિવ્યાંગ રત્ન એવોર્ડથી સન્માનિત કરવાના ખાસ સમારોહનું તા.૯મી જૂનના રોજ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલ ખાતે સાંજે પાંચથી આઠ વાગ્યા દરમ્યાન આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહ દરમ્યાન પ્રાર્થના, નૃત્ય, સાંસ્કૃતિક અને રાષ્ટ્રભકિતના આકર્ષક કાર્યક્રમો પણ યોજાશે એમ કલગી ફાઉન્ડેશનની કલગી રાવલ અને તેમના પિતા ટીકેન્દ્ર રાવલે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજયના વિવિધ ક્ષેત્રમાં નામના મેળવનાર ૩૦ દિવ્યાંગોને દિવ્યાંગ રત્ન એવોર્ડથી સન્માનિત કરવાનો આ અનોખો કાર્યક્રમ રાજયમાં સૌપ્રથમવાર યોજાવા જઇ રહ્યો છે. આ દિવ્યાંગ રત્ન એવોર્ડ સમારોહમાં સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી ઇશ્વરભાઇ પરમાર, શહેરના મેયર ગૌતમભાઇ શાહ અને ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુભાઇ પંડયા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેશે. તો, દિવ્યાંગ રત્ન એવોર્ડ મેળવનારા દિવ્યાંગોનો ઉત્સાહ વધારવા અને કાર્યક્રમમાં આકર્ષણ જમાવવા લોકપ્રિય ગુજરાતી કલાકારો જીગ્નેશ કવિરાજ, કિંજલ દવે, રાજલ બારોટ, મનુભાઇ રબારી, વિરલ રબારી સહિતના કલાકારો પણ હાજરી આપશે અને કાર્યક્રમમાં રંગ જમાવશે. તદુપરાંત ડાન્સ ઇન્ડિયા ડાન્સમાં ભાગ લઇને આવેલા વડોદરાના દિવ્યાંગ કમલેશભાઇ પટેલ પણ આ પ્રસંગે ખાસ હાજરી આપશે. તો, અમદાવાદના દિવ્યાંગ ધવલ ખત્રી બે હાથ ન હોવાછતાં લાઇવ પેઇન્ટીંગ કરીને દિવ્યાંગોને નવું જોમ પૂરું પાડશે. કલગી ફાઉન્ડેશનની કલગી રાવલ અને તેમના પિતા ટીકેન્દ્ર રાવલે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના દિવ્યાંગો પણ સામાન્ય વ્યકિત કરતાં વધુ નામના મેળવી શકે છે જરૂર છે તેમને પ્રોત્સાહિત અને સન્માનિત કરવાની. દિવ્યાંગો કોઇથી પણ કમ નથી તેની પ્રતીતિ કરાવવાના ઉમદા આશયથી જ કલગી ફાઉન્ડેશન દ્વારા સ્પોર્ટ્સ, એજયુકેશન, ગીત-સંગીત, ડાન્સ સહિતના અલગ-અલગ ક્ષેત્રોમાં નામના મેળવનારા ૩૦થી વધુ દિવ્યાંગ રત્નોનું ભાવભર્યુ સન્માન કરવામાં આવશે.

(10:17 pm IST)