Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

ગુજરાતમાં હળવા વરસાદી ઝાપટાઓ પડવાની શક્યતા

અમદાવાદમાં સૌથી વધુ ગરમીનો અનુભવ થયોઃ અમદાવાદ શહેરમાં પારો ૪૨.૩ : બપોરે તીવ્ર ગરમીનો અનુભવ : રાજ્યના કેટલાક ભાગોમાં પારો ૪૧થી ઉપર

અમદાવાદ, તા.૭: અમદાવાદ સહિત ગુજરાતના જુદા જુદા ભાગોમાં હળવા વરસાદની આગાહી તંત્ર દ્વારા અકબંધ રાખવામાં આવી છે. મુંબઈમાં ભારે વરસાદ બાદ હવે ગુજરાતમાં પણ વરસાદની ઉત્સુકતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. બીજી બાજુ ગરમીનું પ્રમાણ હજુ પણ ઉંચુ રહ્યું છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન રાજ્યમાં સૌથી વધુ નોંધાયું હતું. અમદાવાદમાં પારો ૪૨.૩ ડિગ્રી રહ્યો હતો જે સૌથી વધુ ગરમ રહ્યો હતો. આ ઉપરાંત અન્ય કેટલાક ભાગોમાં પણ પારો ૪૧થી ઉપર રહ્યો હતો. બપોરના ગાળામાં લોકો ગરમીના કારણે ત્રાહિમામ પોકારી ગયા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઝડપી પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં રોગના કેસોમાં વધારો નોંધાયો છે.  અમદાવાદમાં બપોરના ગાળામાં ભરચક રહેતા વિસ્તારો પણ સુમસામ દેખાતા હતા. લોકોએ બપોરના ગાળામાં બહાર નિકળવાનું ટાળ્યું હતું. તબીબો પણ વધુ પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરવાની સલાહ આપી રહ્યા છે. રસ્તાઓ ગરમીના કારણે સુમસામ રહ્યા હતા. લોકોની ચામડી દાઝી જવા જેવો અનુભવ આજે બપોરના ગાળામાં થયો હતો. સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં પણ કાળઝાળ ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે. આવતીકાલે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૨ની આસપાસ રહી શકે છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ આજે પ્રમાણમાં ઓછી ગરમીનો અનુભવ થયો હતો. જો કે, બપોરે ગરમ હવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં હળવા વરસાદી ઝાપટા પડવાની આગાહી હવામાન વિભાગે અકબંધ રાખી છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન વધીને ૪૨.૩ ડિગ્રી રહ્યું હતું. સૌથી વધુ તાપમાન આજે અમદાવાદમાં નોંધાયું હતું બપોરના ગાળામાં લોકો હજુ પણ પરેશાન દેખાઈ રહ્યા છે. પાણીજન્ય કેસની વાત કરવામાં આવે તો જૂન મહિનાના પ્રથમ બે દિવસના ગાળામાં જ ઝાડા ઉલ્ટીના ૧૦૨ કેસ સપાટી ઉપર આવ્યા છે જ્યારે કમળાના બે દિવસના ગાળામાં ૩૦ અને ટાઇફોઇડના ૩૬ કેસ સપાટી ઉપર આવ્યા છે. બીજી બાજુ મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો સાદા મેલેરિયાના બે દિવસના ગાળામાં ૨૩ કેસ નોંધાયા છે. વર્ષ ૨૦૧૭માં જૂન મહિનામાં સાદા મેલેરિયાના ૧૦૪૬ કેસ નોંધાયા હતા. જૂન મહિનામાં ઝેરી મેલેરિયાના કોઇ કેસ નોંધાયા નથી.

(10:16 pm IST)