Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

સરદારનગરના બુટલેગર રાજુ ગેંડીની અંતે ધરપકડ

પીસીબીએ છાપો મારી કુખ્યાત ગેંડીને ઝડપી લીધો : કુખ્યાત રાજુ ગેંડી સામે શહેર ક્રાઇમ બ્રાંચ અને શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં ૨૫થી વધુ ગુના નોંધાયેલા છે

અમદાવાદ,તા.૭ : શહેરના સરદારનગર અને કુબેરનગરમાં દારૂના ધંધામાં સંડોવાયેલા નામચીન બુટલેગર રાજુ ઉર્ફે રાજુ ગેંડી રૂપચંદ ક્રિષ્ણાણીની મોડી રાત્રે પીસીબીએ ધરપકડ કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. કારણ કે, દારૂના ધંધામાં કુખ્યાત બુટલેગર તરીકે રાજુ ગેંડીનું મોટુ નામ છે અને તેની  વિરૂધ્ધ દારૂની હેરાફેરી, પ્રોહીબીશન સહિતના અલગ-અલગ ૨૫થી વધુ કેસો શહેર ક્રાઇમ બ્રાન્ચ તેમજ જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા છે. પોલીસે આરોપી બુટલેગર રાજુ ગેંડીની ધરપકડ કરી હવે આગળની તપાસ શરૂ કરી છે. આ અંગેની વિગત એવી છે કે, સરદારનગર અને કુબેરનગરમાં છેલ્લા ઘણા વર્ષોથી કેટલાક પોલીસ કર્મચારીઓની સાઠગાંઠથી દારૂનો બેરોકટોક હોલસેલનો ધંધો ચલાવનાર રાજુ ગેેંડી પોલીસના હાથે ઝડપાઇ જતાં નાના બુટલેગરો પણ ફફડી ઉઠયા છે. કારણ કે, નાના નાના બુુટલેગરોને રાજુ ગેંડી દારૂ સપ્લાય કરતો હતો. રાજુ રાજસ્થાનથી વિદેશી દારૂ લાવીને બુટલેગરોનેે પહોંચાડતો હતો. સરદારનગર સહિત અનેક પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ અસંખ્ય ફરિયાદો દાખલ થઇ છે. થોડાક સમય પહેલાં રાજુ ગેંડી વિરુદ્ધમાં સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઇ હતી. જેમાં તે નાસતો ફરતો હતો. રાજુ ગેંડી સ્થાનિક પોલીસ સાથે ઘરોબો ધરાવતો હોવાથી પોલીસ તેની ધરપકડ કરતી નહોતી. ગઇ કાલે મોડી રાત્રે પીસીબીને બાતમી મળી હતી કે રાજુ ગેંડી સરદારનગરમાં તેના ઘરમાં છુપાયો છે. બાતમીના આધારે પીસીબીની ટીમે મોડી રાત્રે અચાનક જ છાપો મારી રાજુુ ગેંડીની ધરપકડ કરી લીધી હતી. ઉલ્લેખનીય છે કે દારૂના ધંધામાં કરોડપતિ થયેલા બુટલેગરોના લિસ્ટમાં રાજુ ગેંડીનું નામ મોખરે છે. તેની ધરપકડ બાદ તેની બેનામી કરોડો રૂપિયાની સંપત્તિની પણ પોલીસ તપાસ કરશે. થોડા સમય પહેલા પોલીસે બુટલેગરોના ગેરકાયદેસર બાંધકામો તોડી નાખ્યા હતા. હવે રાજુ ગેંડીની ધરપકડ બાદ તેનાપણ ગેરકાયદેસર બાંધકામતોડી પાડવામાં આવે તેવી પોલીસ બેડામાં ચર્ચા છે. આ સિવાય રાજુ ગેંડીની કયા પોલીસકર્મચારી સાથે ઘરોબો છે તેની પણ ઉચ્ચ અધિકારીઓ તપાસ કરશે. હાલ તો રાજુ ગેંડીની ધરપકડ થતાં બુટલેગર આલમમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે.

(8:17 pm IST)