Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

સાબરમતી જેલમાં રહેલ ૫૦ દર્દીના એક્સ-રે માટે સલાહ

જેલમાં તપાસ બાદ આરોગ્ય વિભાગનું સૂચન : તાજેતરમાં અમ્યુકોના આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા સાબરમતી જેલમાં કેદીઓ માટે નિદાન કેમ્પ યોજાયો

અમદાવાદ,તા.૭ : સાબરમતીમાં આવેલી સેન્ટ્રલ જેલના કેદીઓની તાજેતરમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા ટીબી રોગના નિદાન માટે મુલાકાત લેવાઇ હતી. સેન્ટ્રલ જેલના કેદીઓ માટેના એક દિવસના નિદાન કેમ્પમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા ટીબીના પ૦ શંકાસ્પદ દર્દીના એકસ-રે લેવાની સેન્ટ્રલ જેલના સત્તાધીશોને ભલામણ કરાઇ છે, જેને પગલે જેલ સત્તાધીશોએ પણ હવે આ અંગે વિચારણા હાથ ધરી છે.  મ્યુનિસિપલ સિટી ટીબી ઓફિસર ડૉ. તેજસ શાહે આ અંગે જણાવ્યું હતું કે, ગત શનિવારે સેન્ટ્રલ જેલના કેદીઓની ટીબીની તપાસ માટે એક દિવસનો ખાસ કેમ્પ ગોઠવાયો હતો, જેમાં મારા સહિત છ ડોકટર મળીને કુલ ૪૦ કર્મચારી-અધિકારી પણ જોડાયા હતા. આ કેમ્પ માટે પાંચ ટીમ બનાવાઇ હતી અને સેન્ટ્રલ જેલના કુલ ૩૦૧પ કેદીની ટીબી રોગના નિદાન માટે તપાસ હાથ ધરાઇ હતી. આ તપાસ દરમ્યાન સેન્ટ્રલ જેલના ૩પ૪ કેદીની ટીબીના શંકાસ્પદ દર્દી તરીકે વિશેષ ચકાસણી હાથ ધરાઇ હતી, જે પૈકી પ૦ દર્દીના ગળફાના નમૂના લેવાયા હતા. આ ગળફાના નમૂનાને નજીકના અર્બન હેલ્થ સેન્ટરની લેબમાં ટીબીના જંતુની તપાસ માટે મોકલાયા હતા જ્યારે ૧૩ દર્દીના ડ્રગ્સ રેસિડેેન્ટ ટેસ્ટ લેવાયા હતા. ઘાટલોડિયાના અર્બન હેલ્થ સેન્ટરમાં આ પ્રકારના ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ કરાઇ હોઇ ત્યાં નમૂનાની ચકાસણી કરાઇ હતી. જોકે તંત્રના લેબ રિપોર્ટમાં અક પણ દર્દીમાં ટીબીનો રોગ મળી આવ્યો નથી.

જૂના ૯ દર્દીને તંત્ર દ્વારા ટીબીની સારવાર અપાઇ રહી છે, જોકે અનેક કિસ્સામાં દર્દીના ગળફામાં ટીબીના જંતુ પકડાતા નથી, જેના કારણે અમે સેન્ટ્રલ જેલના મેડિકલ ઓફિસરને તમામ પ૦ કેદીના એકસ-રે લેવાની ભલામણ કરી છે તેમ પણ ડૉ. તેજસ શાહે ઉમેર્યું હતું. સાબરમતી જેલના કેદીઓના આરોગ્યને લઇ અમ્યુકો તંત્ર દ્વારા કરાયેલા મહત્વના સૂચન અને ભલામણને પગલે હવે જેલ સત્તાધીશોએ પણ વિચારણા હાથ ધરી છે.

(7:29 pm IST)