Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

હારીજ તાલુકાના ગોવનાની સીમમાં પતિએ પત્નીની કરપીણ હત્યા કરતા અરેરાટી

હારીજ:તાલુકાના ગોવના ગામની સીમમાં નજીવી બાબતની તકરારમાં પતિ દ્વારા પત્નિને ધોકાથી માર મારી મોતને ઘાટ ઉતારી દેવાતા ચકચાર મચી છે. આરોપી પતિ સામે પરિણીતાના પિયર પક્ષની ફરિયાદ આધારે હારીજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બેચરાજીના ખાંભેલના દિલીપજી ઉર્ફે દિપકજી ફતાજી ઠાકોર અને તેની પત્ની વર્ષાબેન ઠાકોર હારીજના ગોવના સીમમાં જીનીંગ મીલ પાસે ભાગીયા તરીકે ખેતમજૂરી કરી ગુજરાન ચલાવતા હતા. પતિ દિલીપજી ઉર્ફે દિપકજી ઠાકોર દારૃ પીવાની ટેવ વાળો હોવાથી પતિ-પત્ની વચ્ચે તકરાર થતી હતી ત્યારે મંગળવાર સાંજે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં પતિ દિલીપજી ઉર્ફે દિપકજી ઠાકોર ઉશ્કેરાઈ જઈ વર્ષાબેન ઠાકોર પર ધોકાથી હૂમલો કરી મોંઢાના તેમજ માથાના અને શરીરના અન્ય ભાગો પર ગંભીર રીતે માર મારતા તેણીનું મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ ભોગ બનનાર પરિણીતાના પિયરપક્ષમાં થતા પિયરપક્ષના સભ્યો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ મામલે માંડલના વનપરડી ગામના ગણપતજી નાથાજી ઠાકોરે બુધવારે હારીજ પોલીસ મથકમાં દિલીપજી ઉર્ફે દિપકજી ઠાકોર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી પતિ સામે હત્યાનો ગુનો નોંધી હત્યારા પતિની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

(7:10 pm IST)