Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

ઉમરેઠમાં નજીવી બાબતે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ

ઉમરેઠ:શહેરના પીપળીયા ભાગોળ કસ્બામા ગઈકાલે રાત્રીના સુમારે પાલિકાની જગ્યામાં છાપરું બનાવવા બાબતે ચૌહાણ અને બેલીમ પરિવારો વચ્ચે હિંસક મારામારી થતાં આઠને વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ થવા પામી હતી. આ અંગે પોલીસે રાયોટીંગ વીથ લૂંટના બે અલગ-અલગ ગુનાઓ દાખલ કરીને ૨૨ની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી છે.

જાવેદહુસેન મહંમદમીંયા બેલીમે આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઈકાલે રાત્રીના સાડા આઠેક વાગ્યાના સુમારે તેઓ પોતાના ઘરે હતા ત્યારે પિતરાઈ ભાઈ મહેબુબમીંયા અબ્દુલમીયા બેલીમ અને તેનો પુત્ર સાકીબહુસેન મયુદ્દીન ગનીમીયા ચૌહાણના ઘરે મહેબુબમીંયાના ઘર આગળ આવેલી સરકારી જમીનમાં છાપરૂ બાંધીને દબાણ ના કરશો તેમ કહેવા ગયેલા જે બાબતે બોલાચાલી થતાં ભત્રીજા સાકીબે ઘરે આવીને બોલાચાલી થઈ છે અને મામલો શાંત કરીને સમાધાન કરાવી દો તેમ કહેતા જ જાવેદહુસેન ત્યાં ગયા હતા જ્યાં મૈયુદ્દીન, યુસુફમીંયા ઉસ્માનગની ચૌહાણ, મુસ્તાકહુસેન ડોસુમીંયા ચૌહાણ, તૌફીક ઉર્ફે મુનાવરમીંયા જહીરમીંયા ચૌહાણ, જુનેદમીંયા ઈસ્માઈલમીંયા ચૌહાણ, જુબેરમીયા ઈસ્માઈલમીંયા ચૌહાણ સાહીદમીંયા સલીમમીંયા ચૌહાણ, તૌસીફમીંયા મયુદ્દીનભાઈ ચૌહાણ, અલ્તાફમીંયા ઉર્ફે માદા તથા મુબીનમીંયા મયુદ્દીનભાઈ ચૌહાણ, ઈશાકમીંયા ઉર્ફે દાદી ફકરૂમીયા ચૌહાણ ત્યાં હાજર હોય તેમને સમજાવવાની કોશિષ કરી હતી પરંતુ તેઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને મયુદ્દીને જાવેદહુસેનને પકડી લઈ ખિસ્સામાંથી ૨૦ હજાર રૂપિયા મુનાવરમીંયા જહીરમીંયા ચૌહાણે ઝુંટવીને લૂંટી લીઘા હતા. જ્યારે ઈસ્માઈલમીંયાએ ગળામાંથી સોનાની ચેઈન તોડીને લૂંટી લીઘી હતી. તમામ શખ્સોએ ગમે તેવી ગાળો બોલીને મુસ્તાકમીંયાએ સેન્ટીંગનું લાકડુ લઈ આવીને માથામાં ડાબી બાજુ મારી દેતાં લોહીલુહાણ થઈ જવા પામ્યા હતા. બીજા શખ્સોએ ગડદાપાટુનો માર મારવાનું ચાલુ કર્યું હતુ. રઝાકમીંયા બેલીમ છોડાવવા વચ્ચે પડતાં યુસુફમીંયાએ લાકડી માથામાં મારી દીધી હતી. આમિર સોહિલ તથા મહેબુબભાઈ છોડાવવા પડતાં તેમને પણ લાકડાના ડંડાથી માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપીને ત્યાંથી જતા રહ્યા હતા. ઘવાયેલા ચારેયને પ્રથમ સારવાર માટે ઉમરેઠની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર માટે આણંદની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

જ્યારે સામા પક્ષે ઝરીનાબીબી મૈયુદ્દીનભાઈ ચૌહાણે આપેલી ફરિયાદમાં જણાવ્યું હતુ કે, મહેબુબમીંયા અબ્દુલમીંયા બેલીમ, મુસ્તાકમીંયા ગનીમીંયા બેલીમ, ફજલમીંયા ગનીમીંયા બેલીમ, રીયાજમીંયા ગનીમીંયા બેલીમ, અકરમીંયા મહંમદમીંયા બેલીમ, મહબુબમીંયા નાથુમીંયા, સાદીકમીંયા મહંમદમીયા, જાવેદમીંયા, શાહરૂખમીંયા દ્વારા ગેરકાયદેસર મંડળી રચીને તેમના ઘર આગળ આવી કહેલ કે તમોએ મોઈજમીંયા જેનુમીંયા શેખને નગરપાલિકાની ખુલ્લી જગ્યામાં છાપરું કેમ બનાવવા દીધું છે તેમ જણાવીને ગમે તેવી ગાળો બોલીને ઘર ઉપર પથ્થરમારો કર્યો હતો. ત્યારબાદ હુમલો કરીને ઝરીનાબીબીએ ગળામાં પહેરેલ સોનાની ચેઈન આશરે એક તોલાની લૂંટી લીઘી હતી. જ્યારે મોબીન, ઈશાકમીંયા, ઈસુબભાઈને ગડદાપાટુનો માર મારીને મોઢાના ભાગે મુક્કા માર્યા હતા. ત્યારબાદ જાનથી મારી નાંખવાની ધમકી આપીને ત્યાંથી જતા રહ્યા હતા. પોલીસે બન્ને પક્ષે ગુનાઓ દાખલ કરીને કુલ ૨૨ની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી છે.

(7:08 pm IST)