Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

જીજ્ઞેશ મેવાણીને ધમકીભર્યા ફોન ખરેખર રવી પુજારીએ જ કર્યા છે કે કેમ? મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ પાસેથી વોઇસ સેમ્પલ મંગાવાશે

અપક્ષ ધારાસભ્યને ધમકી આપનાર ડોને આ અગાઉ ગુજરાતના ઘણા કોંગ્રેસી આગેવાનોને પણ ધમકી ભર્યા ફોન કર્યા છે : હાલ ઓસ્ટ્રેલીયાથી નેટવર્ક ચલાવતા આ ડોને શાહરૂખ ખાન અને અક્ષયકુમાર વિગેરેને પણ ધમકીઓ આપેલઃ દાઉદના દોસ્ત રવીના દુશ્મન

રાજકોટ, તા., ૭: વડગામના અપક્ષ ધારાસભ્ય અને તેજોતર્રાર દલીત નેતા જીજ્ઞેશ મેવાણીની હત્યા કરવાની ડોન રવી પુજારીના નામે ઓસ્ટ્રેલીયાથી ફોન પર મળેલી ધમકીના પગલે-પગલે વિવિધ દલીત સંગઠનોએ રાજયના પોલીસ વડા પાસે જીજ્ઞેશ મેવાણીને 'વાય' કેટેગરી કક્ષાની સુરક્ષા આપવા માંગણી કરવા સાથે આ સમગ્ર મામલાને ગંભીરતાથી લેવા કરેલી રજુઆતના પગલે-પગલે શિવાનંદ ઝા રવી પુજારીના વોઇસ સેમ્પલ મુંબઇથી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ અગર એટીએસ મારફત મંગાવવાનો નિર્ણય કર્યો હોવાનું સુત્રો જણાવે છે.

હાલ ઓસ્ટ્રેલીયાથી બેનંબરી કારોબાર ચલાવતા ડોન રવી પુજારીએ આ અગાઉ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનોને પણ ધમકી ભર્યા ફોન કર્યા હતા. આણંદના એક કાઉન્સીલરનું અપહરણ તથા હત્યામાં પણ ડોન રવી પુજારીનું નામ ચમકયું હતું. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ તથા એટીએસ દ્વારા આ મામલે સર્વેલન્સ ટીમોને સાથે રાખી સઘન તપાસ કરવામાં આવેલી. એ વાત જાણીતી છે. ડોન રવી પુજારી ઓસ્ટ્રેલીયા ગયા પહેલા દુબઇથી પણ કારોબાર ચલાવતો. તેની ભાઇગીરીની શરૂઆત મુંબઇના અંધેરીથી થઇ હતી. તેણે નાનપણથી બોલપેનના બદલે રિવોલ્વરનું વધુ આકર્ષણ હોવાથી સ્કુલે જવાનું માંડી વાળ્યું હતું. અંધારી આલમમાં ડગ મુકી સડસડાટ દોડ લગાવનાર આ ડોન શરૂઆતમાં છોટા રાજન ગેંગમાં પણ સામેલ થયો હતો.  દાઉદની ફેવરવાળા કેટલાક પોલીસ અધિકારીઓને પણ રવિએ ચીમકી આપ્યાનું ચર્ચાઇ છે. બોલીવુડના સુપર સ્ટાર સલમાન ખાન, અક્ષયકુમાર અને શાહરૂખખાન સહિતના ટોચના અભિનેતાઓ અને પ્રોડયુસરોને ધમકી ભર્યા ફોન કર્યાની હકિકતો ક્રાઇમ બ્રાન્ચ સુધી પહોંચી છે. રવી પુજારી શરૂઆતથી જ દાઉદ તરફ નફરત ધરાવે છે અને દાઉદની ફેવર વાળા લોકોને પોતાના દુશ્મન ગણે છે.

(4:17 pm IST)