Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

આણંદમાં શ્રમદાન કરીને પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાનનું નેતૃત્વ કરતા વિજયભાઈ રૂપાણી

૪૦૦ મોટા શહેરોમાં બહાર કચરો ફેંકવા પર દંડાત્મક કાર્યવાહી વિચારાધિન: આણંદ, કરમસદ અને વલ્લભવિદ્યાનગર સહિતની નગરપાલિકાઓ કાર્યવાહી કરવાનું નકકી કરે: સફાઇ કર્મીઓને ડસ્ટબીન અને સફાઇ કીટનું વિતરણ

આણંદ :આણંદમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ શ્રમદાન કરીને પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાનનું નેતૃત્વ કર્યું હતું વિજયભાઇ રૂપાણીએ પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાન દરમિયાન રાજયમાં કચરાના ઢગલાંઓ દૂર કરી સ્વચ્છ-સ્વસ્થ અને તંદુરસ્ત ગુજરાત નિર્માણની પરિકલ્પનાને સાકાર કરવાની સંકલ્પબધ્ધતા વ્યકત કરી હતી.

    વિશ્વ પર્યાવરણ દિવસ ૫મી જૂનથી ૧૧મી જૂન દરમિયાન રાજયમાં યોજાઇ રહેલા પર્યાવરણ સ્વચ્છતા અભિયાન અંતર્ગત મુખ્ય મંત્રીએ અભિયાનના ત્રીજા દિવસે આણંદ ખાતે બોરસદ ચોકડી પાસે આવેલ કાંસની સફાઇ કામગીરીનું નિરીક્ષણ કરી સફાઇ કર્મીઓ સાથે વાતચીત કરી હતી. જયારે લોટિયા તળાવ ખાતે સફાઇ કરીને શ્રમદાન કર્યું હતું.

   વિજયભાઇ રૂપાણીએ રાજયમાં જળસંચાય અભિયાન અંતર્ગત ૧૮ હજારથી વધુ તળાવો ઉંડા કરવાની સાથે નદી-કાંસ-કેનાલોની સફાઇ અને મૃત:પ્રાય થયેલ નદીઓને પુન:જીવિત કરવાનું ભગીરથ કાર્ય કરવામાં આવ્યું છે  ત્યારે આ સાફ કરવામાં આવેલ નદી-તળાવો-કાંસ-કેનાલોમાં  કોઇપણ જાતનો કચરો કે પ્લાસ્ટીક ફેંકીને પુન: ગંદી ન થાય તે માટે સમગ્ર રાજયમાં પર્યાવરણ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે તેમ કહ્યું હતું.

  તેમણે રાજયના જયાં કાયમી ઉકરડા-કચરાના ઢગલાંઓથી ભરાઇ ગયેલા છે તેવા ૪૦૦ મહાનગરોમાંથી આવો તમામ કચરો ઉપાડી લઇને ગુજરાતને સંપૂર્ણપણે ઉકરડા-કચરા અને ગંદકીમાંથી મુકત બનાવવાનું અભિયાન રાજય સરકારે હાથ ધર્યું છે. ત્યારે રાજયના ૪૦૦ જેટલા મોટા શહેરો-નગરોમાં કચરો બહાર ફેંકવા સામે દંડાત્મક કાર્યવાહી કરવાની દિશામાં રાજય સરકાર વિચારણા કરી રહી હોવાનો સંકેત આપ્યો હતો.

  શ્રી રૂપાણીએ આણંદ, કરમસદ, વલ્લવભવિદ્યાનગર સહિતની નગરપાલિકાઓને કોઇપણ વ્યકિત જાહેરમાં કચરો ફેંકો તો તેઓની સામે દંડાત્મક કાર્યવાહી કરવાનું નકકી કરવાની સાથે આણંદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ૫૦ માઇક્રોનથી નીચેના પ્લાસ્ટીકના વેચાણ કરવા ઉપર પ્રતિબંધ મૂકવાની સાથે ૫૦ માઇક્રોનથી નીચેના પ્લાસ્ટીકનું વેચાણ કરનાર સામે કડક કાર્યવાહી હાથ ધરવા સુચવ્યું હતું.

 મુખ્ય મંત્રીશ્રીએ પૂ. મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિના ઉપલક્ષ્યમાં સ્વચ્છ ભારત મિશન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ઉપાડવામાં આવ્યું છે ત્યારે સ્વચ્છ ભારતની પરિકલ્પનાને સાકાર કરી ભારત અને ગુજરાત સુસંસ્કૃત અને સ્વચ્છ દેશ-રાજય છે તેવી છબી ઉજાગર કરવામાં ગુજરાત અગ્રેસર રહેશે તેવી આશા વ્યકત કરી હતી.

  વિજયભાઇ રૂપાણીએ પ્લાસ્ટીકના વપરાશને તિલાંજલી આપી કાગળ અને કાપડની બનાવટની થેલીઓનો ઉપયોગ કરવાનું જણાવી કોઇપણ વ્યકિત જાહેરમાં કચરો ન ફેંકે તે માટેની સમજ કેળવવાની જરૂરિયાત પર ભાર મૂકી ભીના અને સૂકાં કચરાંને અલગ-અલગ ડસ્ટબીનમાં રાખવાની શીખ આપી હતી.

   વિજયભાઇ રૂપાણીએ ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અપર્ણ કરી હતી.

પ્રસંગે મુખ્ય મંત્રીશ્રીએ સફાઇ કર્મીઓને સફાઇ કીટનું અને ડસ્ટબીનનું વિતરણ કર્યું હતું. જયારે મહિલા અગ્રણી આશાબેન દલાલ દ્વારા કાપડ અને કાગળની એક જ દિવસમાં તૈયાર કરેલ ૫૦૦૦ કોથળીઓ આપવામાં આવી હતી.

        શ્રી રૂપાણીએ આણંદ શહેરમાં કાંસ-કેનાલ અને તળાવોની કામગીરી ખૂબ સારી રીતે થઇ રહી છે ત્યારે આણંદ શહેર વિશ્વમાં જાણીતું શહેર છે ત્યારે આણંદ શહેરને એવું સ્વચ્છ બનાવીએ કે  વિદેશથી આવતા લોકો પણ સ્વચ્છતાને આવકારે તેવું નયનરમ્ય અને ચોખ્ખું બનાવવાનું જણાવી નગરજનો સ્વચ્છતાને સ્વભાવ બનાવી અન્યોને માટે પ્રેરણા સ્ત્રોત બની રહે તેવી હિમાયત કરી હતી.

    આ પ્રસંગે મુખ્ય મંત્રી શવિજયભાઇ રૂપાણીએ સહિત ઉપસ્થિત અગ્રણીઓ અને નગરજનોએ પર્યાવરણ અને સ્વચ્છતાના શપથ લીધા હતા.

   આ પ્રસંગે સંસદસભ્ય દિલીપભાઇ પટેલ, ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઇ પરમાર, આણંદ નગરપાલિકાના પ્રમુખ  કાંતિભાઇ ચાવડા, પૂર્વ સંસદસભ્ય દિપકભાઇ પટેલ, જિલ્લા અગ્રણી મહેશભાઇ પટેલ, મહિલા અગ્રણી શ્રીમતી હંસાકુંવરબા રાજ, પૂર્વ ધારાસભ્ય સંજયભાઇ પટેલ, જિલ્લા કલેકટર દિલીપ રાણા, જિલ્લા વિકાસ અધિકારી અમિતપ્રકાશ યાદવ, મ્યુનિસિપલ કાઉન્સિલરો, શહેરના અગ્રણી આગેવાન કાર્યકરો, અગ્રણી નાગરિકો, સફાઇ કર્મીઓ, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, એન.સી.સી.ના યુવક-યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

(2:15 pm IST)