Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

સરકારી નીતિના વિરોધમાં ગુજરાતભરના કવોરી ઉદ્યોગની હડતાલ

ખાનગી માલિકીની જમીનમાં ખોદકામની લીઝ આપવાનું પણ સરકાર પોતાના હાથમાં લઇ લેશે તેવો ભય

રાજકોટ તા. ૭ : ગુજરાતના કવોરિ ઉદ્યોગના આર.ટી.ઓ.માં રજિસ્ટર થઈ ચૂકેલા વાહનોનું નવેસરથી રજિસ્ટ્રેશન કરાવવા અને તેને માટે રૂ.૨૦૦૦૦ની ચૂકવણી કરવાના સરકારે મૂકેલી કન્ડિશન સામેના વિરોધમાં ગુજરાતના કવોરી ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ લોકોએ હડતાલ પર ઉતરી ગયા છે. સરકારની નવેસરથી રજિસ્ટ્રેશન કરાવવાની નીતિને પરિણામે આ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો પર રૂ. ૪૦૦ કરોડનો બોજો આવી રહ્યો છે.

બીજું, સરકારની માલિકીની જમીનમાં ઉત્ખનન કરવાના લીઝ આપવાનો અધિકાર સરકારનો છે, પરંતુ ખાનગી માલિકીની જમીનમાંથી ઉત્ખનન કરવાના અધિકાર કે લીઝ આપવાની હરાજી પણ સરકાર જ કરે તેવી જોગવાઈ સરકાર દાખલ કરવા જઈ રહી છે. તેની સામે કવોરિ માલિકોનો મોટો વિરોધ છે. ખાનગી ભૂમિ પર પણ ઉત્ખનન કરવાના બ્લોક ખુદ સરકાર પાડવા માગે છે અને તેના થકી થનારી આવક પર પણ સરકારની જ નજર હોવાનું જણાઈ રહ્યું છે.

આ નીતિનો પણ કવોરિ ઉદ્યોગ વિરોધ કરી રહ્યું છે. કવોરિ એસોસિયેશનના પ્રમુખ રયાભાઈ રાઠોડનું કહેવું છે કે ગુજરાત સરકારે ૨૫ કે તેનાથીય વધુ વર્ષથી લીઝ પર જમીન આપીને ઉત્ખનન કરવાની છૂટ આપી હોય તેવી કવોરીઓની લીઝ એકના હાથમાંથી બીજાના હાથમાં અને બીજાના હાથમાંથી ત્રીજા હાથમાં પહોંચી ગઈ છે. પરંતુ આજે સરકાર અમારી પાસેથી તમામ ૨૫ વર્ષનો હિસાબ માગી રહી છે. આ હિસાબ આપવો અમારી પાસે શકય જ નથી. કવોરિ ઉદ્યોગને પરેશાન કરવા માટેની આ નીતિ હોવાનું જણાઈ રહ્યું છે. તદુપરાંત કવોરિમાંથી બ્લેક સ્ટોનની કપચી લઈને નીકળતા વાહનોની માલ વહન કરવાની ક્ષમતા કરતાં વધુ માલ લઈ જવામાં આવે તો સરકાર તેમને રૂ. ૧ લાખનો દંડ કરી દે છે. વાસ્તવમાં અન્ય વાહનો પણ તેમની ક્ષમતા કરતાં વધુ માલ વહન કરે છે. તેમની સામે કોઈ જ પગલાં લેવામાં આવતા નથી. જયારે અમને મોટી રકમનો દંડ કરી રહી છે. વાહનની ક્ષમતા કરતાં વધુ માલ ભરવા પાછળના કારણની સમજ આપતા તેઓ કહે છે કે ૧૨ ટન માલ મંગાવનાર પાર્ટીને ૧૦ ટન અને ૨ ટન એમ બે ચક્કરમાં સપ્લાય આપવામાં આવે તો ડિઝલનો ખર્ચ વધી જાય છે. તેથી તેમને કપચી મોંઘી પડે છે.

આ સંજોગોમાં તેમને મોંઘી ન પડે તે માટે ૧૦ ટનને બદલે ૧૨ ટન માલ લઈ જવાની અમને ફરજ પડે છે. આ પ્રકારની ૧૫ જેટલી માગણીઓ અંગે ચર્ચા કરવા માટે આજે સાયલા ખાતે બ્લેક સ્ટોન કવોરિ એસોસિયેશનના સભ્યો અને હોદ્દેદારોની એક બેઠક સાયલા ખાતે મળી હતી અને સરકારની આ નીતિ સામેના વિરોધમાં હડતાલ પર ઉતરી જવાનો નિર્ણય લીધો હતો.(૨૧.૧૧)

(11:46 am IST)