Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

ગુજરાત ગેસે વધાર્યા CNG, ઔદ્યોગિક PNGના ભાવ : ઘરેલૂ વપરાશકર્તાઓને રાહત

CNGમાં ૧.૧૦ રૂપિયાનો વધારો : PNGમાં ૫ જૂનથી વધારો લાગુ

અમદાવાદ તા. ૭ : પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) અને કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG)ના ગ્રાહકો હવે વધારે રૂપિયા ચૂકવવા પડશે. ગુજરાત ગેસ લિમિટેડ (GGL)એ CNG અને ઈંડસ્ટ્રીયલ PNGના ભાવમાં વધારો ઝીંકયો છે. રાજયના PSU (પબ્લિક સેકટર અંડરટેકિંગ) દ્વારા ઘરેલૂ અને કોમર્શિયલ PNGના ભાવમાં વધારો નથી કરવામાં આવ્યો.

શહેર ગેસ ડ્રિસ્ટ્રીબ્યૂશન કંપનીએ CNGના ભાવમાં કિલો દીઠ ૧.૧૦ રૂપિયાનો વધારો કરતાં ૬ જૂનથી ૪૯.૬૫ રૂપિયે મળતો ગેસ હવે ૫૦.૭૫ રૂપિયે મળે છે. GGL ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી, નડિયાદ, આણંદ અને દક્ષિણ ગુજરાતમાં ભરૂચથી વાપી સુધીના વિસ્તારોમાં ૬ લાખ જેટલા વાહનોમાં ગેસ સપ્લાય કરે છે. સમગ્ર ગુજરાતમાં કંપનીના ૨૯૧ ગેસ સ્ટેશન છે.

ઈંડસ્ટ્રીયલ કેટેગરીના PNGમાં પ્રતિ સ્ટાન્ડર્ડ કયૂબિક મીટરે (SCM)૧.૭૫ રૂપિયાનો વધારો ૫ જૂનથી લાગૂ કરાયો છે. સિરામિક ટાઈલ્સ બનાવતા ઉદ્યોગો માટે નવો ભાવ ૨૯.૯૫ રૂપિયા પ્રતિ SCM અને અન્ય ઔદ્યોગિક ગ્રાહકો માટે ભાવ ૩૧.૭૫ રૂપિયા પ્રતિ SCM છે.

સૂત્રએ આપેલી માહિતી પ્રમાણે, કોમર્શિયલ અને ઘરેલૂ વપરાશકર્તાઓને અપાતા ગેસમાં ભાવ વધારો ન થયો હોવાથી તેમના માટે રાહતના સમાચાર છે. GGLના અન્ય ગ્રાહકોમાં કેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ્સ, પેસ્ટીસાઈડ્સ અને ફૂડ પ્રોસેસિંગ ઈંડસ્ટ્રીનો સમાવેશ થાય છે.(૨૧.૬)

(10:00 am IST)