Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

સુરતમાં ૭૦ વર્ષના ધનજીદાદા કોરોનામુક્ત થતા કરતાલના તાલે રજા આપીઃ આઇસોલેશન વોર્ડમાં દરેકને લાડવા ખવડાવ્યા

સુરત: સુરત ખાતે રહેતા 70 વર્ષના દાદા કોરોનાને મ્હાત આપી સાજા થયા તો તેની ખુશીમાં પરિવારે આઈસોલેશન વોર્ડમાં દરેકને લાડવા ખવડાવ્યા હતા. એટલુ જ નહિ, હોસ્પિટલના સાત દર્દીઓને વાજતે ગાજતે ઢોલ-નગારા અને કરતાલનાં સૂરે રજા આપવામા આવી હતી. તમામ દર્દીઓને હાર પહેરાવવામાં આવ્યા હતા. સાજા થયેલા દર્દીઓમાં મોટાભાગે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના દર્દીઓ છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં બેડ અને ઓક્સિજનની અછતના કારણે તેઓ સુરત સારવાર મેળવવા આવ્યા હતા. સૌરાષ્ટ્રથી સુરત આવી સાજા થયેલા 70 વર્ષીય ધનજી કાકાએ તો સુરતને વૈકુંઠ ગણાવ્યું છે.

સુદામા ચોક ખાતે આવેલ કોમ્યુનીટી હોલમાં ચાલતું કોવિડ આઈસોલેશન સેન્ટર ખરેખર નાના તેમજ મધ્યમવર્ગીય પરિવારો માટે ખૂબ જ આશીર્વાદરૂપ બની રહ્યું છે. સુદામા ગ્રુપ, મોટા વરાછા યુવા બ્રિગેડ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરીષદ અને સેવા સંસ્થાના નેજા હેઠળ કાર્ય કરતી બીજી સંસ્થાઓ દ્વારા આયોજિત મોટા વરાછા સુદામા ચોક ખાતે ચાલતા નિઃશુલ્ક કોવિડ આઇસોલેશન સેન્ટર દ્વારા આજે વધુ 7 દર્દીઓને વાજતે ગાજતે ઢોલનગારા અને કરતાલનાં સૂરે રજા આપવામા આવી હતી.

જેમાં એક ડિસ્ચાર્જ દર્દી પરિવાર દ્વારા બીજા પોઝિટિવ દર્દી, દર્દીના સગા સબંધી અને સ્વયંસેવકો માટે લાડવા બનાવી સેન્ટર પર દરેકનાં મોં મીઠા કરી વિદાય લીધી હતી. અત્યાર સુધીમાં આ સેન્ટર પર 223 જેટલા પોઝિટિવ દર્દીઓ આવી આવી ચૂક્યા છે. જેમાથી 183 લોકો સંપૂર્ણ સ્વસ્થ થઇને પોતના ઘરે જઇ ચૂક્યા છે.

(4:41 pm IST)