Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

પોરબંદર જીલ્લામાં વધુ ઓકસીજન કવોટા વેન્ટીલેટરો અને રેમડેસીવીર ઇન્જેકશનો ફાળવવા મુખ્યમંત્રીને રજુઆત

અર્જુનભાઇ મોઢવાડીયાની આગેવાની હેઠળ પ્રદેશ કોંગ્રેસ સમીતીના પ સભ્યો દ્વારા રજુઆત

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૭: પોરબંદર જીલ્લામાં વધુ ઓકસીજન કવોટા, વેન્ટીલેટરો રેમડેસીવીર ઇન્જેકશનો તથા જરૂરી દવાનો જથ્થો તાકીદે ફાળવવા પ્રદેશ કોંગ્રેસના પુર્વ પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડીયાની આગેવાની હેઠળ પ્રદેશ કોંગ્રેસ સમીતીના પ સભ્યોનું ડેલીગેશન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને મળીને રજુઆત કરી હતી.

પ્રદેશ કોંગ્રેસના પુર્વ પ્રમુખ  અર્જુનભાઈ મોઢવાડિયાએ કોંગ્રેસના ડેલીગેશન સાથે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને રજુઆત કરતાં જણાવ્યું હતું કે પોરબંદર શહેરના ડીઝીગ્નેટેડ કોરોના હોસ્પિટલોમાં પોરબંદર જીલ્લા અને બહારના જીલ્લાઓના દર્દીઓ પણ સારવાર લઈ રહ્યા છે તેવા વખતે જામનગર જીલ્લાની હદ ઉપર રોકવામાં આવતા હતા તેના કારણે રાણાવાવ શહેરના એક દર્દીનું જીલ્લાની લાલપુર સરહદે એમ્બ્યુલનસમાં જ મૃત્યુ થયું હતું. તે વખતે મુખ્યમંત્રીશ્રી સાથે ટેલીફોન વાતચીત થતાં જામનગર જીલ્લા વહીવટી તંત્રનો આ નિર્ણય રદ કરાવેલ હતો. હજુ પણ પોરબંદર જીલ્લામાં ઓકસીજન સપ્લાય જરૂરીયાત કરતાં ઓછો આવતો હોય, ઓકસીજનની જરૂરીયાતવાળા દર્દીઓને ભાવસિંહજી અને નર્સીંગ કોરોના હોસ્પિટલમાં દાખલ કરી શકતા નથી. આ ઉપરાંત વેન્ટીલેટરની સંખ્યા માત્ર ૨૨ જ છે. કોરોનાને કારણે મૃત્યુ પામતાં દર્દીઓ પૈકી ૮૦ટકા દર્દીઓ એવા છે કે જેઓને ઓકસીજનની જરૂરીયાત છે પરંતુ ઓકસીજન બેડ આપી શકતા નથી એટલે ઓકસીજનના અભાવે મૃત્યુ પામે છે. જે દર્દીઓ ઓકસીજન બેડ ઉપર સારવાર હેઠળ છે પરંતુ તેઓને બાઈપેપ કે વેન્ટીલેટર બેડની જરૂરીયાત છે. પરંતુ બાઈપેપ-વેન્ટીલેટરની સંખ્યા દર્દીઓની જરૂરીયાતના પ્રમાણમાં નહીંવત છે તેને કારણે દર્દીઓના મોટાપાયે મૃત્યુ થાય છે. અર્જુનભાઈએ તાકીદે પોરબંદર જીલ્લા માટે ઓકસીજનનો કવોટા વધારવા, વધારાના ૩૦ વેન્ટીલેટર ફાળવવા તેમજ રેમડીસીવર સહિતની દવાઓ ઉપલબ્ધ કરાવવા વિનંતી કરી હતી. પોરબંદરમાં કોવિડ દર્દીઓના ધસારાના પ્રમાણમાં ડોકટરો, નર્સીંગ સ્ટાફ અને પેરામેડીકલ સ્ટાફની સંખ્યા ખૂબ જ ઓછી છે. ડોકટરો અને નર્સીંગ સ્ટાફ પોતાની શકિત કરતાં બમણું કામ કરે છે. તેઓને પ્રોત્સાહક પગાર અને નવા સ્ટાફ ભર્તી કરવાની મુખ્યમંત્રીને રજુઆતમાં વિનંતી કરી હતી. મુખ્યમંત્રીએ તમામ પાસાઓ અંગે વિગતે ચર્ચા કરીને જરૂરી તમામ પગલાં લેવાની ખાત્રી આપી હતી.

(1:02 pm IST)