Gujarati News

Gujarati News

News of Tuesday, 7th May 2019

સુરતમાં ૪ માળનું બિલ્ડીંગ ધરાશાયી થતા રહેવાસીઓને રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા

સુરત :તાજેતરમાં જ ગુજરાત ગૃહ નિર્માણ બોર્ડ હેઠળ આવતા જર્જરિત અને ખંડેર મકાનોના પુન નિર્માણ માટેનો જમીન માલિકી મકાન સુધારાની પણ રાષ્ટ્રપતિએ મંજુરી આપી છે. ત્યારે આજે સુરતમાં એક બિલ્ડીંગ ધારાશાહી થઈ ગઈ છે. 4 માળની બિલ્ડીંગ ધારાશાહી થઈ જતા રહેવાસીઓનું રેસ્ક્યુ કરાયું હતું, તો આ ઘટનાને પગલે આજુબાજુની બિલ્ડીંગના રહીશોના જીવ પણ તાળવે ચોંટ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં ચાર માળનું વિશાલ દર્શન નામનુ એક એપાર્ટમેન્ટ નમી પડ્યું હતું. બિલ્ડીંગ નમી પડતા જ રહીશોનો જીવ જોખમમાં મૂકાયો હતો. આ ઘટનાને પગલે તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરાઈ હતી. જેથી ફાયર ટીમ અને પોલીસે જોખમને પગલે આખી બિલ્ડીંગ ખાલી કરાવી હતી. રહીશોના રેસ્ક્યૂ માટે મોટો કાફલો અહી ખડકી દેવાયો હતો. તો બીજી તરફ, વિશાલ દર્શનની બાજુમાં આવેલ 10 માળની સરસ્વતી સ્મૃતિ નામની બિલ્ડીંગ પણ ખાલી કરાવાઈ હતી. જોખમને જોતા બિલ્ડિંગમાંથી તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને ફાયર બ્રિગેડ અને પોલીસકર્મીઓએ ઘટના સ્થળ પર પહોંચીને કામગીરી કરી હતી. જોકે, આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.

મનપાએ બિલ્ડીંગને નોટિસ મોકલી હતી

મનપાએ આ બિલ્ડિંગને રિપેરીંગ માટેની નોટિસ આપી હતી. નોટિસ બાદ ઈમારતનું સમારકામ પણ કરવામાં આવ્યાની વાત રહીશોએ કરી છે. ત્યારે ગઈ કાલે રાત્રે શંકા જતા ઈમારત ખાલી પણ કર્યાની વાત રહીશોએ કરી છે. ઘટના સ્થળે ફાયર ટીમ જર્જરીત ઈમારતને ખાલી કરવાની કામગીરી કરી રહી છે ત્યારે સવાલ ઉભા થયા કે ગુજરાતમાં આવી કેટલી જર્જરિત ઈમારતો હશે અને શું ચોમાસા પહેલા જર્જરીત ઈમારતોને ખાલી કરાવવામાં આવશે કે કેમ?

કૂતરાને બચાવી જીવદયાનુ ઉદાહરણ આપ્યું

કોલેપ્સ થયેલી બિલ્ડીંગમાંથી એક તરફ જ્યાં માણસો ફસાયા હતા, ત્યાં બીજી તરફ એક કૂતરુ પણ ફસાયુ હતું. ત્યારે ફાયર બ્રિગેડના જવાનોએ જીવને જોખમમાં મૂકીને કૂતરાનું પણ રેસ્ક્યુ હતું. આમ, ફાયર બ્રિગેડ આ દ્વારા જીવદયાનુ પણ ઉદાહરણ આપ્યું હતું.

ગુજરાત ગૃહ નિર્માણ બોર્ડ હેઠળ આવતા જર્જરીત અને ખંડેર મકાનોના મકાન માલિકો અથવા તેનો ભોગવટો કરનારમાથી 75 ટકાથી ઓછા નહીં તેટલા માલિકો અથવા તેનો ભોગવટો કરનારની સંમતિ મેળવ્યા પછી જર્જરિત મકાનોનો પુનઃ વિકાસ માટેની જોગવાઇ કરવાનાં હેતુથી સુધારા વિધેયક લાવવામાં આવ્યુ છે. ત્યારે રાજ્યમાં ખાનગી ફ્લેટ ધારકોની સોસાયટીઓને રિડેવલોપમેન્ટ કરવા માટેના બિલને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે. હવે આ વિધેયકથી ગુજરાતમાં રિડેવલોપમેન્ટ સરળ બનશે. વિધાનસભાના સત્ર સમયે આ બિલ સર્વાનુમતે પસાર કરાયું હતું. હવે આ કાયદાથી રિડેવલપમેન્ટની સાથે જર્જરિત મકાનોના પડી ભાંગવાથી થતી ઘટનાઓ પર બ્રેક લાગશે, તેમજ જીવનુ જોખમ પણ નહિ રહે.

(4:59 pm IST)