Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

બીટકોઈન મામલે રાજકોટના નનકુ આહિરને ઉઠાવતી સીઆઈડીઃ ૨૫ લાખ રોકડા મળ્‍યા !

રાજકોટ, તા. ૭ :. રાજ્‍યભરમાં સનસનાટી મચાવી રહેલા બીટકોઈન મામલે આજે ગાંધીનગર સીઆઈડી ક્રાઈમે રાજકોટના યુનિવર્સિટી રોડ પર રહેતા જમીન-મકાન ધંધાર્થી નનકુ આહિરના ઘેર દરોડો પાડી ૨૫ લાખ રોકડા સાથે તેમની અટકાયત કર્યાનું જાણવા મળે છે. આ લખાય છે ત્‍યારે સીઆઈડીની ટૂકડી ગાંધીનગર ઈન્‍ટ્રોગેશન માટે નનકુ આહિરને લઈ રવાના થઈ ગઈ છે.

યુનિવર્સિટી રોડ પર રહેતા અને ફાયનાન્‍સ ઉપરાંત જમીન-મકાનના ધંધા સાથે સંકળાયેલા નનકુ આહિરનો અમરેલી બીટકોઈન મામલામાં શું રોલ છે ? તે વિશે સીઆઈડી ઉલટ પૂછપરછ કરશે. આ પહેલા અમરેલી એસપી જગદીશ પટેલ, એલસીબી પી.આઈ. અનંત પટેલ સહિત સમગ્ર એલસીબીના સ્‍ટાફની આ ગુન્‍હામાં ધરપકડ થઈ ચૂકી છે. સુરતના બીઝનેશને બળજબરીથી ઉઠાવી કરોડોની કિંમતના બીટકોઈન ટ્રાન્‍સફર કરાવી લેવાના મામલે સૌ પ્રથમ પી.આઈ. અનંત પટેલ ચક્રમાં આવ્‍યા બાદ સમગ્ર ભોપાળુ બહાર આવ્‍યુ હતું. આજે બપોરે આ પ્રકરણે જ નનકુ આહિરને ઉઠાવી લેવાયા છે. પ્રાથમિક બચાવમાં તેણે રોકડા ૨૫ લાખ અમરેલીમાં થયેલા જમીન સોદાના હોવાનો બચાવ કર્યો છે. ૨૦૧૩માં થયેલા જમીન સોદાના બાકીના નાણા આ હોવાનો બચાવ લુલો હોવાનું માનવામાં આવે છે. વધુ વિગતો મેળવાઈ રહી છે.

(4:16 pm IST)