Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

બોરસદના ડભાસીમાં IPL મેચમાં સટ્ટો રમાડતા પાંચ પકડાયા :6,24 લાખનો મુદામાલ જપ્ત

પેટલાદ અને બોરસદ રૂરલ પોલીસની સંયુક્ત ટીમે બોરસદ તાલુકાના ડભાસી ગામે એક મકાનમાં છાપો મારીને આઈપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા પાંચ શખ્સોને ઝડપી પાડીને ૬.૨૪ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.
    પેટલાદના એએસપી સંદિપ ચૌધરીને માહિતી મળી હતી કે, ડભાસી ગામના ટેકરાવાળા ફળિયામાં રહેતા બીપીનભાઈ ઉર્ફે પાંડે ધુળાભાઈ પટેલે વડોદરાના કેટલાક શખ્સોને પોતાનુ મકાન ભાડે આપ્યુ છે અને તેમાં છેલ્લા દશ દિવસથી ક્રિકેટનો સટ્ટો રમાડવામાં આવી રહ્યો છે. જેથી પેટલાદ અને બોરસદ રૂરલની સંયુક્ત ટીમ બનાવીને છાપો મારવામાં આવતાં મુંબઈ અને પંજાબ વચ્ચે રમાઈ રહેલી આઈપીએલ ક્રિકેટ મેચ ઉપર ઓટ્સ (મેચમાં રમનાર ટીમની સ્થિતિ મુજબ હારજીતના ભાવ અપડાઉન થતા હોય તે પ્રક્રિયા)મુજબ સટ્ટો રમાડતાં આશીફ હનીફભાઈ શેખ, ઝહીરમહંમદ મુસ્તાકહુસેન સુમા, સમીર હુસેનભાઈ મન્સુરી (રે. ત્રણેય વડોદરા), બીપીનભાઈ ઘુળાભાઈ પટેલ અને ગૌરાંગભાઈ સુરેશભાઈ પટેલ ઝડપાઈ જવા પામ્યા હતા.

    તેઓની પાસેથી કુલ ૧૫ મોબાઈલ ફોન, લેપટોપ, ટીવી, ઈલેક્ટ્રીક ઉપકરણો, રોકડા ૩૩૭૦ તથા એક કાર સહિત ૬,૨૪,૯૭૦નો મુદ્દામાલ મળી આવતાં તે જપ્ત કર્યો હતો અને બોરસદ રૂરલ પોલીસ મથકે ગુનો દાખલ કરીને વધુ તપાસ આણંદ એસઓજીને સોંપવામાં આવી હતી.

(12:29 pm IST)