Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

રાત્રે વડોદરાના તરસાલીમાં બે જૂથ વચ્ચે અથડામણ :ખાનગી ફાયરિંગ થયાની ચર્ચા

હથિયારો સાથેના ટોળાનો હુમલો :એક કિશોરને ઘેરીને માર મારતા મામલો બિચક્યો :તરસાલી અને ભલીયાપુરામાં પોલીસ કાફલો ખડકાયો

વડોદરા :શહેરના તરસાલી આદર્શનગરમાં શનિવારે રાતે એક કોમના કિશોરને ઘેરી માર મારવાના મુદ્દે બે કોમના જૂથ વચ્ચે સર્જાયેલી અથડામણમાં ચારથી પાંચ લોકો ઘવાયા હતા. આ કોમી છમકલામાં બે રાઉન્ડ ખાનગી ફાયરીંગ થયું હોવાની પણ ચર્ચાએ ભારે જોર પકડયું છે. બનાવને પગલે પોલીસના ધાડેધાડા તરસાલી અને ભાલિયાપુરા ગામે ઉતરી આવ્યા હતા. પોલીસે જરૃરી બળ વાપરી પરિસ્થિતિ અંકુશ હેઠળ લાવી હતી.

   મળતી વિગત મુજબ તરસાલી હાઈવે નજીક આવેલા ભાલિયાપુરા ગામનો એક કિશોર શનિવારે રાત્રે લગભગ ૯ વાગ્યાની આસપાસ તરસાલી આદર્શનગર પાસેથી જતો હતો, ત્યારે એક કોમના કેટલાક શખ્સોએ તેની સાથે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ વાત વણસતાં હુમલાખોરોએ તેને માર માર્યો હતો. કિશોરની માતા વચ્ચે છોડાવવા પડતાં તેમની ઉપર પણ હુમલો કરાયો હતો. જેથી કિશોરે ફોન કરી તેના સાગરિતો તેમજ સગા- વ્હાલાઓને બોલાવી લીધા હતા.

મારક હથિયારો સાથે ધસી આવેલા ટોળાંએ આદર્શનગર સોસાયટી પર હલ્લો મચાવ્યો હતો. ત્યારબાદ બંને કોમના ટોળાં સામસામે આવી જતાં કાંકરીચાળો થયો હતો. જેમાં મો. વસીમ રાજ અને તેના પિતા અજીતસિંહ રાજ સહિત ચાર જેટલા લોકો ઘવાયા હતા.

(1:02 pm IST)