Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

તમે હોસ્પિટલમાં કામ કરો છો તો કોરોના તો નથી થયો ને? તેમ કહીને સુરતમાં પાડોશીએ મહિલા ડોક્ટર સાથે ઝઘડો કરતા પોલીસ ફરિયાદ

સુરત: કોરોના વાયરસ સામે વોરિયર્સ તરીકે કામ કરતા મેડિકલ સ્ટાફ અને પોલીસકર્મી સહિતના લોકોની દેશભરમાં પ્રશંસા થઈ રહી છે ત્યારે સુરતમાં ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં કામ કરતા મહિલા ડોક્ટર અને પાડોશી વચ્ચે થયેલા ઝઘડાનો મુદ્દો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે.

આ  ઘટનાની વિગતો જોઈએ તો અડાજણ વિસ્તારમાં બનેલી આ ઘટનામાં ડોક્ટર સંજીવની પાણીગ્રહીએ તેના પાડોશીઓ દ્વારા ખરાબ વર્તન કરવામાં આવતું હોવાના આક્ષેપો કર્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ તેમણે કહ્યું કે પાડોશીએ જ્યારે હું શનિવારે સાંજે ઘરે આવી તો પાડોશીઓએ એવો સવાલ કર્યો કે તમે હોસ્પિટલમાં કામ કરો છો તો તમને કોરોના તો નથી થયોને?

આ પછી બીજા દિવસે પણ તેમના પાડોશીઓ દ્વારા માથાકુટ કરવામાં આવી એટલે કે, રવિવારે ફરી ઝઘડો થયો અને વીડિયો કોઈ રીતે ધારાસભ્ય સુધી પહોંચી ગયો અને પોલીસને બનાવ અંગે જાણ થતાં ટીમ ફ્લેટમાં આવી હતી અને ચેતન મહેતાની ધરપકડ કરી લીધી હતી. બીજી તરફ પોલીસે જે ચેતન મહેતા સામે પગલા ભર્યા તેમના પત્નીએ એવા આક્ષેપ કર્યા કે મહિલા ડોક્ટર સંજીવનીએ ખોટી રીતે તેમના પતિને ફસાવીને કસ્ટડીમાં મોકલ્યા છે.આ ઝઘડો કૂતરાના કારણે થયો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. જોકે, આ વિષયમાં પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

(4:48 pm IST)