Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

સેલફોનનું મહત્વ જાણો છો? ઓટીપી આપવા ફોન આવે તો શું કરો? ઓનલાઇન પ્રશ્નો થશે

ઘરમાં રહેવામાં કંટાળો ન આવે અને જ્ઞાન સાથે ગમ્મત મળે અને ગુન્હાઓ ઘટે તેવો સચોટ ઉપાય સુભાષ ત્રિવેદીએ શોધી કાઢયો : વિડીયો દ્વારા ઘેર બેઠા બોર્ડર રેન્જ હેઠળના નાગરિકોને પ્રશિક્ષિત કરી, ઓનલાઇન સ્પર્ધા યોજી અને ગુણાંક અપાશેઃ ૧ થી ૪ ક્રમમાં આવનારને એવોર્ડ આપી એક દિવસ મહેમાન તરીકે સાથે રહેવાની તક અપાશેઃ ગુજરાતના બોર્ડર વડા સાથે અકિલાની વાતચીત

રાજકોટ, તા., ૭: કોરોના વાયરસની મહામારી સંદર્ભે અપાયેલ લોકડાઉન દરમિયાન નિયમોના કડક પાલન સાથે આવી પરિસ્થિતિને કારણે લોકોને માનસિક રીતે ઘરમાં રહેવાનો કંટાળો ન આવે અને ઘરમાં રહી લોકોનું જ્ઞાન વધે, સમય આનંદમય રીતે વીતે અને ગુન્હાઓ બનતા અટકી જાય તેવી રસપ્રદ અને લોકોમાં જાગૃતી લાવતી અદભુત સ્પર્ધાનું આયોજન હંમેશ માટે કંઇક નવુ કરવા માટે જાણીતા ગુજરાતના બોર્ડર રેન્જ આઇજીપી સુભાષ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું છે.

૧૪ થી ૪૦ વર્ષની વય ધરાવતા બોર્ડર રેન્જ હેઠળના સમગ્ર કચ્છ, પાલનપુર અને પાટણના રહેવાસીઓ માટેની આ ઓનલાઇન સ્પર્ધા અંગે બોર્ડર રેન્જ વડા સુભાષ ત્રિવેદીએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે આ મહામારીનો એક જ વિકલ્પ છે કે ઘરમાં રહેવુ઼ અને સોશ્યલ ડીસ્ટન્સ જાળવવું. લોકોનો આ સમય ઘરમાં ખુબ સારી રીતે કંટાળા વિના પસાર થાય અને લોકોને સાયબર ક્રાઇમના વધતા જતા ગુન્હાઓની જાણકારી મળવા સાથે લોકોમાં આ માટે કેવી જાગૃતી છે તેના સવાલો પુછવામાં આવશે. ઓનલાઇન આ સ્પર્ધામાં લોકોને સાયબર ક્રાઇમના ગુન્હાઓની જાણકારી આપતી અને જ્ઞાન વધારતી માહીતી સાથે વિડીયો પણ મોકલવામાં આવશે. આ માટે સ્પર્ધકોએ પોલીસની ઓફીશ્યલ વેબસાઇટ પર જઇ તેમાં એન્ટ્રી કરાવ્યા બાદ ભાગ લઇ શકશે.

સુભાષ ત્રિવેદીએ એવું પણ જણાવેલ કે લોકો ઘરમાં પ્રવૃત રહી શકે તેવા હેતુ સાથે સાયબર ક્રાઇમના, એટીએમ ફ્રોડ અને નેટ પુલીંગથી લોકોને બચાવવા માટે ખુદ લોકો પાસેથી જ આની જાણકારી મેળવી કસોટી કરવામાં આવશે.

લોકો માટેની ફેસબુક ઓનલાઇન સ્પર્ધામાં તેઓના જ્ઞાનની ચકાસણી માટે તેમના સેલફોનનું શું મહત્વ છે? બેંક કે બીજા નામે ઓટીપી મંગાય કે એકાઉન્ટસ નંબર મંગાય ત્યારે તમે શું કરશો? તેવા સવાલો પુછાશે. આ બધુ ઘરે રહીને જ કરવાનું છે. તેઓએ જણાવેલ કે આવેલા જવાબોમાંથી  તજજ્ઞો દ્વારા ચકાસણી કરી તે મુજબ ગુણાંક આપવામાં આવશે. આમા શ્રેષ્ઠ જવાબ જેના હશે તેવા લોકોની પસંદગી કરી  ૧ થી ૪ ક્રમાંકવાળાઓને એવોર્ડ આપવા સાથે તેઓને એક દિવસ સાયબર પોલીસ સ્ટેશનમાં આખો દિવસ મહેમાન બનાવી રાખવામાં આવશે. આમ આ નવતર સ્પર્ધાની જાહેરાતની લોકોમાં ખુબ જ ઉત્કુંઠા સાથે રાજયભરના પોલીસ તંત્રમાં પણ રસપ્રદ બની રહી છે.

(12:57 pm IST)