Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

મહમદ કોને કોને મળેલો? કોના કોના સંપર્કમાં આવેલો ? એસઓજી ઉંધા માથે

દિલ્હી નિઝામુદીન જમાતમાંથી પરત આવ્યા બાદ તંત્રને જાણ કરી ન હતી, એપેડેમીક ડીસીસ સહીતની આકરી કલમો હેઠળ ગુન્હો દાખલઃ ડીસીપી ડો.હર્ષદ પટેલ : અમદાવાદના દરીયાપુર સહીતના વિસ્તારોમાં ભારે શોધખોળઃ આશીષ ભાટીયા અને અજયકુમાર તોમર ડે ટુ ડેના રીપોર્ટ મેળવે છે

રાજકોટ, તા., ૭: કોરોના વાયરસની મહામારી વિશેષરૂપે ફેલાવવામાં જેમની ભૂમીકા પર શંકાની સોય ચિંધાઇ રહી છે તેવા દિલ્હીની નિઝામુદીન જમાતમાં ભાગ લેવા ગયેલા ગુજરાતના કેટલાક લોકોએ તંત્રની સુચનાઓ અને અપીલો છતા કોઇ પણ કોઇ મથકમાં કે સરકારની અન્ય કોઇ એજન્સીને જાણ ન કરી આવી ગંભીર મહામારી ફેલાવામાં વાહક બનેલા લોકોને શોધી કાઢવા માટે અમદાવાદના પોલીસ કમિશ્નર આશીષ ભાટીયા અને સ્પેશ્યલ પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરના માર્ગદર્શન હેઠળ ચાલતી શોધખોળ દરમિયાન  દરીયાપુરના મહમદ ઇલ્યાસ ફઝલે કરીમ શેખને અમદાવાદ એસઓજી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી એપેડેમીક ડીસીસ એકટ ૧૮૯૭ તથા ધ ગુજરાત એપેડેમીક ડીસીસ એકટ કોવીદ-૧૯ રેગ્યુલેશન ર૦ર૦ તથા ઇપીકો કલમ ૧૮૮, ર૬૯ અને ર૭૦ મુજબ ગુન્હો દાખલ કરી આ શખ્સ કયાં કયાં ગયો હતો ? કોને કોને મળેલો? તે બાબતે તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

ઉકત બાબતે અકિલા સાથેની વાતચીતમાં  એસઓજી ક્રાઇમ બ્રાન્ચના નાયબ પોલીસ કમિશ્નર ડો. હર્ષદ પટેલે જણાવેલ કે મહમદ ઇલ્યાસ દરીયાપુરમાં રહે છે. તે લોકડાઉન થયા બાદ દિલ્હીની નિઝામુદીન જમાતમાંથી પરત આવ્યા છતાં પોલીસ મથકે કે બીજી સરકારી એજન્સીઓમાં જાણ ન કરી. અત્યારના સંજોગોમાં ગંભીર ગુન્હો કરેલ છે.

ડો.હર્ષદ પટેલે અકિલા સાથેની વાતચીતમાં વિશેષમાં જણાવેલ કે દેશમાં કોવીદ-૧૯ ની ચેપી રોગની મહામારીથી બીજા લોકોને પણ ચેપ લાગી શકે અને મહામારી વધુ ફેલાઇ તેવી તમામ જાણકારી હોવા છતા મહમદ ઇલ્યાસે તેની પરવાહ કરી ન હતી. તેઓએ જણાવેલ કે મહમદના સંપર્કમાં આવેલા અન્યો કે બીજા દિલ્હી નિઝામુદીન તબલીકમાં ગયેલા લોકોની શોધખોળ ચાલી રહી છે. આ માટે મદદનીશ પોલીસ કમિશ્નરના માર્ગદર્શનમાં એક ખાસ ટીમ બનાવી છે જેમાં પીઆઇ એ.ડી.પરમાર વિગેરેનો સમાવેશ છે. આ બાબતે આગળની તપાસ પીએસઆઇ વાય.એસ.શિરસાઠ કરી રહયા છે.

(12:56 pm IST)