Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

અમદાવાદમાં છ વિસ્તારો કલસ્ટર કવોરન્ટાઇન થયા

લોકલ ટ્રાન્સમિશન દ્વારા કેસોમાં વધારો થયો : નિઝામુદ્દીનવાળાએ સામેથી તંત્રને પોતાની હિસ્ટ્રી જણાવી નથી, તેથી તેમના વિસ્તારમાં કોરોનાને રોકવાનું પ્લાનિંગ

અમદાવાદ,તા. ૬ : અમદાવાદ શહેર સહિત સમગ્ર રાજયમાં હવે કોરોનાનું લોકલ ટ્રાન્સમિશન ખતરનાક અને ચિંતાજનક હદે વધી રહ્યું છે. કોરોના વાયરસનો ચેપ ફેલાય નહી તે હેતુથી સંવેદનશીલ વિસ્તાર સુધી જ કોરોનાને અટકાવવાનું ખાસ પ્લાનીંગ હાથ ધરાયુ છે અને તેના કારણે અમદાવાદ, વડોદરા, સુરત સહિતના શહેરોમાં એક પછી એક માસ કવોરન્ટાઇનના આકરા પગલાં લેવાઇ રહયા છે. અમદાવાદ, વડોદરા અન સુરત સહિતના શહેરોમાં આવા નિઝામુદ્દીનવાળા કે જેઓ દિલ્હીના તબલીગી જમાતના મરકઝમાં સામેલ થઇ આવ્યા હતા, રાજયમાં જે તમામ કોરોના પોઝિટિવના કેસો સામે આવ્યા છે, તેમાં ૭૩ મુસ્લિમ સમાજના છે. રાજયમાં આજે નોંધાયેલા ૧૭ નવા કેસો પૈકી ૧૧ તો માત્ર અમદાવાદમાં એટલે કે, સૌેથી વધુ કેસ આજે પણ નોંધાયા હતા. આમ, અમદાવાદમાં કોરોના પોઝિટિવનો આંક ૬૪નો થયો છે, જે બહુ ગંભીર, ચિંતાજનક અને ખતરનાક વર્તાઇ રહ્યો છે એમ મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું.

              તેમણે વધુમાં જણાવ્યું કે, અમદાવાદ શહેરની વાત કરીએ તો, અહીંથી તબલીગી જમાતના કાર્યક્રમમાં જઇ આવેલા નિઝામુદ્દીનવાળા લોકોના કારણે શહેરના કાલુપુર, દરિયાપુર, શાહઆલમ, બાપુનગર, દાણીલીમડા સહિતના છ વિસ્તારોને કલસ્ટર કવોરન્ટાઇન કરવાની ફરજ પડી છે. આ જ પ્રકારે વડોદરામાં મચ્છીપીઠ અને નાગરવાડા, સૈય્યદપુરા વિસ્તારને તો, સુરતમાં રાંદેર અને સચિન સહિતના વિસ્તારોમાં માસ કલસ્ટર કવોરન્ટાઇનની કાર્યવાહી કરવાની ફરજ પડી છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો.જયંતિ રવિએ જણાવ્યું હતું કે, આજના નવા કેસોમાં મોટા ભાગના ગીચ વિસ્તાર અને મુસ્લિમ વિસ્તારમાં વધુ છે, ખાસ કરીને દિલ્હીના તબલીગી જમાત કાર્યક્રમમાં મરકઝમાં સામેલ થઇ પરત આવેલા નિઝામુદ્દીનવાળા લોકોના કારણે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં કોરોના વાયરસનો ચેપ વધુ પ્રમાણમાં અને ખતરનાક રીતે ફેલાઇ રહ્યો છે.

         સૌથી ગંભીર વાત એ છે કે, આ નિઝામુદ્દીનવાળા તેમની હિસ્ટ્રી આરોગ્ય વિભાગ કે તંત્રને જણાવતાં નથી  આ સંજોગોમાં નિઝામુદ્દીનવાળા લોકો હજુ પણ તંત્રનો સામેથી સંપર્ક કરે અને તેમની ટોટલ હિસ્ટ્રી નિખાલસપણે જણાવે તે તેમના અને જાહેરજનતાના હિતમાં છે. તેમણે ઉમેર્યું કે, ગુજરાતમાં કોરોનાનો કહેર ૧૪ મહિનાના બાળકથી વરિષ્ઠ સુધી પહોંચી ગયો છે, તેનું મુખ્ય કારણ ચેપ અને સંક્રમણ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં વધુ ૧૬ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી ૧૧ એકલા અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં અત્યારસુધી પાંચના મોત નોંધાઇ ચૂકયા છે.

(9:39 pm IST)