Gujarati News

Gujarati News

News of Sunday, 7th March 2021

સતલાસણા તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ કોનું શાસન? : અપક્ષ કિંગ મેકરની ભૂમિકામાં

કોંગ્રેસને 8 સીટ, ભાજપને 7 બેઠકો અને અપક્ષને 1 સીટ મળી : અપક્ષ ભાજપને સમર્થન આપશે તો ટાઈ પડશે

પાટણ: ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો જવલંત વિજય થયો છે, જ્યારે જનતાએ કોંગ્રેસને જાકારો આપ્યો છે. જિલ્લા અને તાલુકા પંચાયતોમાં પણ કોંગ્રેસનો સાર્વત્રિક સફાયો થયો છે, પરંતુ મહેસાણા જિલ્લાની સતલાસણા તાલુકા પંચાયત બચાવવા માટે કોંગ્રેસે કમર કસી છે.

કોંગ્રેસ પ્રવક્તા જયરાજ સિંહ સતલાસણા તાલુકા પંચાયતમાં પાર્ટીને જીતાડવામાં સફળ જરૂ થયા હોય, પરંતુ ખૂબ જ પાતળી બહુમતી હોવાના કારણે કોંગ્રેસને પોતાનું શાસન લાવવા માટે લોઢાના ચણા ચાવવા જેવું અઘરું થઈ પડ્યું છે.

સતલાસણા તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસને સૌથી વધુ 8 બેઠકો મળી છે. જ્યારે ભાજપના ખાતામાં 7 તેમજ 1 બેઠક અપક્ષના ફાળે ગઈ હતી. આમ ખૂબ જ પાતળી સરસાઈ હોવાથી ભાજપ પણ તાલુકા પંચાયતમાં સત્તા મેળવવા મથામણ કરી રહી છે. આવા સંજોગોમાં અપક્ષ કિંગ મેકરની ભૂમિકામાં આવી ગયો છે

જો અપક્ષ તરીકે ચૂંટાયેલો ઉમેદવાર ભાજપ સાથે જોડાય તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટાઈ પડી અને પછી ચિઠ્ઠી ઉછાળીને વિજેતા જાહેર કરવામાં આવે. જ્યારે અપક્ષ કોંગ્રેસને ટેકો આપે, તો તે બહુમતીથી સત્તા હાંસલ કરી શકે. એવી ચર્ચા થઈ રહી છે કે, મત ગણતરી બાદ જ અપક્ષ ઉમેદવાર ગાયબ થઈ ગયો છે. ભાજપે જ અપક્ષ ઉમેદવારને અજ્ઞાત સ્થળે મોકલ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

આ અંગે તાલુકા ભાજપ પ્રમુખ વિનોદ ચૌહાણે જણાવ્યું કે, અમારી પાસે 8 સભ્યો છે અને અપક્ષ સિવાય કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો પણ અમારી સાથે જ આવશે. ગામવાળાઓએ અપક્ષ ઉમેદવારને ભાજપ સાથે જવાની શરતે જ જીતાડ્યો છે.

અપક્ષ તરીકે જીતેલો ઉમેદવાર અચાનક ગાયબ થઈ જતાં કોંગ્રેસ પણ હરકતમાં આવી ગઈ છે. કોંગ્રેસને પણ પોતાના સભ્યો તૂટવાનો ડર સતાવી રહ્યો હોય તેમ પાર્ટીના પ્રવક્તા જયરાજસિંહ પરમાર સતલાસણા તાલુકા પંચાયતમાંથી ચૂંટાયેલા પોતાના 8 સભ્યોને લઈને ભૂગર્ભમાં ઉતરી ગયા છે

(8:06 pm IST)