Gujarati News

Gujarati News

News of Sunday, 7th March 2021

સર્જરી બાદ વીમા કંપનીએ મહિલાને નાણા ન ચુકવ્યા

પોલિસી રદ કરતા મહિલાએ ફરિયાદ કરી : ૨૦૧૩માં બેરિયાટ્રિક સર્જરી કરાવી હતી, પોલિસી હેઠળ આ સારવાર ના આવતી હોવાથી મેડિક્લેમ નામંજૂર કર્યો

અમદાવાદ, તા. : કન્ઝ્યૂમર કોર્ટે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડને ચંદ્રિમા ચક્રવર્તીની બે મેડિક્લેમ પોલિસી પૂર્વવત કરવાનો આદેશ આપ્યો છે. ચંદ્રિમાએ આઠ વર્ષ પહેલા વજન ઘટાડવા માટે સર્જરી કરાવી હતી જે બાદ તેને બંને પોલિસી ગુમાવવાનો વારો આવ્યો હતો.

વીમા કંપનીએ ચંદ્રિમાને સર્જરીના લાખ રૂપિયા આપવાનો ઈનકાર કર્યો સાથે તેની બંને પોલિસી પણ રદ્દ કરી હતી. ચંદ્રિમાની સર્જરી કરનારા ડૉક્ટરોએ રિપોર્ટમાં લખ્યું હતું કે, તેણી સર્જરીના પાંચ વર્ષ પહેલાથી એટલે કે ૨૦૦૮થી ડિસ્ક પ્રોલેપ્સ (મણકાની ગાદી ખસી જવી)થી પીડાતી હતી. રિપોર્ટના આધારે વીમા કંપનીએ તેની પોલિસી રદ્દ કરી હતી. તકનો લાભ લઈને વીમા કંપનીએ કહ્યું કે, ચંદ્રિમાએ તેની પહેલાથી ચાલી રહેલી મેડિકલ કંડિશન છૂપી રાખી હતી. કંપનીએ ચંદ્રિમા પર બીમારી છુપાવી રાખવાનો આરોપ મૂકીને પોલિસી રદ્દ કરી હતી. ચંદ્રિમાને તકલીફ ૨૦૦૮થી હતી અને ૨૦૧૨માં તેણે પોલિસી લેતી વખતે વિશે ઉલ્લેખ નહોતો કર્યો. અમદાવાદ (ગ્રામ્ય) સ્થિત ગ્રાહક તકરાર નિવારણ મંચનો ચંદ્રિમાએ સંપર્ક કર્યો હતો. ફોરમે વીમા કંપનીને ચંદ્રિમાની પોલિસી ફરીથી શરૂ કરવાનો તેમજ તેને લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે. જો કે, ફોરમના નિર્ણયને કંપનીએ ગુજરાત સ્ટેટ કન્ઝ્યુમર ડિસ્પ્યૂટ રિડ્રેસલ કમિશનમાં પડકાર્યો હતો ત્યારે તેમણે પણ ફોરમના નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો.

દર્દીએ બીમારી છુપાવી હતી તેવી વીમા કંપનીની દલીલને કમિશને માન્ય ના રાખી અને ચુકાદો આપતા કહ્યું કે, ડૉક્ટરના સર્ટિફિકેટ દ્વારા ખુલાસો નથી થતો કે ચંદ્રિમાને મણકાની ગાદી ખસી જવાની તકલીફ ક્યારથી છે. ૩૫ વર્ષીય ચંદ્રિમા ચક્રવર્તીનું વજન ૧૪૩ કિલો હતું અને તેમનો બોડી માસ ઈન્ડેક્સ ૪૯.૨૩ હતો. સ્થૂળતા દૂર કરવા માટે તેમણે મે ૨૦૧૩માં બેરિયાટ્રિક સર્જરી કરાવી હતી. લાખ રૂપિયાનો મેડિક્લેમ લેતી વખતે ચંદ્રિમાએ કહ્યું હતું કે, મોર્બિડ ઓબેસિટીના કારણે ઊભા થતાં કોમ્પ્લિકેશનને નાથવા સર્જરી કરવામાં આવી રહી છે. જો કે, તેની પોલિસીમાં ઓબેસિટીની સારવાર સામેલ ના હોવાથી તેનો ક્લેમ નામંજૂર કરવામાં આવ્યો હતો.

(7:29 pm IST)