Gujarati News

Gujarati News

News of Sunday, 7th March 2021

અપેક્ષાઓથી લેશમાત્ર ડરવાવાળા નથી. અમે કામ કરવાવાળા માણસો છીએ.: મુખ્યમંત્રી રૂપાણી

મુખ્યમંત્રીએ કયાંય સંવેદના, તો કયારેય કડકાઇ અને કયારેક કોંગ્રેસની ઝાટકણી કાઢી

અમદાવાદ :મુખ્મયંત્રી વિજયભાઈ  રૂપાણીએ વિધાનસભા ગૃહમાં સરકારે કરેલાં કામોની જાણકારી આપી હતી ત્યારે વચ્ચે વચ્ચે શાયરીઓ ગુનગુનાવીને લોકોને ચકાચોંધ કરી દીધા હતા. કયાંય સંવેદના, તો કયારેય કડકાઇ અને કયારેક કોંગ્રેસની ઝાટકણી તેમના સંબોધનમાં જોવા મળી હતી. તેમણે પોલીટીકલ પંડિતને ચેલેન્જ આપતાં કહ્યું હતું કે, કાન ખોલીને સાંભળી લે અમે અપેક્ષાઓથી લેશમાત્ર ડરવાવાળા માણસો નથી. અમે કામ કરવાવાળા માણસો છીએ.

મારી ભાજપા સરકાર પર જનવિશ્વાસ, જનઆધાર અને જનમત વધ્યો છે ત્યારે અમારા સૌની જવાબદારી વિશેષ વધી જાય છે. અમારા વાણી, વર્તન અને વ્યવહારમાં વિવેક, સંયમ, સૌમ્યતા અને સેવામાં સક્રિયતા રહેશે. તેનો જન જનને વિશ્વાસ છે. જનતાએ અમારામાં મૂકેલા વિશ્વાસને અને અમારા આ વિજયને અમે જનસેવા માટેની એક મોટી જવાબદારી માનીએ છીએ.

તેમણે ઉમેર્યું કે, વિજયની પ્રતિષ્ઠા કરતાં જનસેવાના વિશ્વાસને જાળવી રાખવાનો પડકાર અમે માનીએ છીએ. વર્ષ 1975થી 45-45 વર્ષોથી રાજકોટ કોર્પોરેશનમાં એકધારું શાસન અને હવે આ પાંચ વર્ષ ઉમેરતાં વર્ષ 2025માં 50 વર્ષનું શાસન થશે. અમદાવાદ, સુરત, વડોદરા વગેરે મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં પણ બે-અઢી-ત્રણ દાયકાથી જનતાએ તેમની સેવા કરવાની જવાબદારી અમને સોંપી છે. ગુજરાત રાજ્યમાં પણ 25 વર્ષોથી ભારતીય જનતા પક્ષની સરકારને જનતાએ એમનો અખૂટ સ્નેહ આપ્યો છે. એન્ટીઈન્કમ્બન્સી કે એન્ટીએસ્ટાબ્લીસમેન્ટની વાતો કરનારાઓએ આ આંકડાઓનો અભ્યાસ કરીને રિસર્ચ-સંશોધન કરવાની જરૂર છે. આટલા વર્ષોથી એકધારા જનતાના આશિર્વાદ અને વિશ્વાસ મેળવવો એ કોઈ રમત છે? આ કોઈ જાદુ છે? ના. આ માત્ર ને માત્ર જનતાની કરેલી સેવાનો પ્રતિઘોષ છે. સૌનો સાથ લઈને સૌનો વિકાસ કરીને સૌનો વિશ્વાસ જીતવાની શીખ અમને નરેન્દ્રભાઈ  મોદીએ આપી છે. આ નરેન્દ્રભાઈ  મોદીએ બનાવેલો ગુજરાતના વિકાસનો મજબૂત પાયો છે. એના ઉપર આખું આ વટવૃક્ષ ઊભું છે.

મુખ્યમંત્રી વિજયભાઈ  રુપાણીએ જનતાના અપ્રતિમ સ્નેહ અને વિશ્વાસને જોઈને પોલીટીકલ પંડિતો એમ કહે છે કે, ભારતીય જનતા પક્ષ ઉપર લોકોને ખૂબ અપેક્ષાઓ છે. કદાચ ભાજપા લોકોની આ અપેક્ષાઓમાં ખરી નહીં ઉતરે. આવા પોલીટીકલ પંડિતોને મારી ચેલેન્જ છે, કાન ખોલીને સાંભળી લે… અમે અપેક્ષાઓથી લેશમાત્ર ડરવાવાળા માણસો નથી. અમે કામ કરવાવાળા માણસો છીએ. અમે લોકોની અપેક્ષાઓ પરિપર્ણ કરવાવાળા છીએ. અમે અપેક્ષાઓથી નહીં આક્ષેપોથી ડરવાવાળા છીએ. કોઈ કાળી ટીલી ન લાગે તેવી ઈમાનદારીથી અમે કામ કરીએ છીએ. અમે કદી ખોટું કામ કરતા નથી અને કરવા દેતા નથી. અમે ઈમાનદારીથી જનતાની સેવા કરીએ છીએ.

છેલ્લા અઢી દાયકાથી શાસનમાં એક પણ કૌભાંડ કે લાંછનની વાત બની નથી. વિપક્ષના મુટ્ઠીભર લોકોને જે અપપ્રચાર કરવો હોય એ કરે પણ, ગુજરાતની સાડા છ કરોડની જનતાને ભારતીય જનતા પક્ષની સરકારમાં અતુટ વિશ્વાસ છે કે, ભાજપવાળા લોકો પ્રમાણિકતાથી અને નિષ્ઠાપૂર્વક કામ કરનારા લોકો છે.

અમે અપેક્ષાથી ડરતા નથી અપેક્ષા પૂરી કરવાવાળા અને અપેક્ષાથી વધુ કામ કરવાવાળા લોકો છીએ. અને એટલે જ 25-25 વર્ષોથી અમારી જનહિતલક્ષી દરેક બાબતો પારદર્શક અને પરિણામલક્ષી રહી હોવાની સૌને પ્રતીતિ છે. મારે વિશ્વાસપૂર્વક કહેવું છે કે, જનતાએ અમને આપેલા આશિર્વાદને અમે સાર્થક કરીને એમના વિશ્વાસ ઉપર ક્યારેય લાંછન લગાડ્યું નથી કે લાગવા દઈશું નહીં. લોકોએ અમારી ઈમાનદારી અને પ્રમાણિકતા ઉપર મહોર મારી છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, અમે સ્પષ્ટ પણે માનીએ છીએ કે, નિર્ણાયકતા, પારદર્શકતા, સંવેદનશીલતા અને પ્રગતિશીલતાના ચાર મજબૂત પાયા ઉપર ગુજરાતના ખૂણે ખૂણાનો વિકાસ થઈ રહ્યો છે. લોકોના હૃદયમાં પણ આ વાત વસી ગઈ છે.

 

પેલે જીંગલ યાદ આવી ગઇ કે,
જબ આપ પે કોઈ ભરોસા કરતા હૈ,
તબ ઉન કા ભરોસા આપ કી જિમ્મેદારી બન જાતી હૈ,
તભી તો કરોડો પરિવારો કો ફર્ક સાફ દીખતા હૈ,
પહેલે ઇસ્તમાલ કરો, ફીર વિશ્વાસ કરો…

વિજયભાઈ રુપાણીએ કોંગ્રેસના શાસનની ઝાટકણી કાઢવાની સાથે જણાવ્યું કે, ઈમાનદારી અને પારદર્શકતા અમારા સંસ્કાર છે. અમે જનતાની સત્યનિષ્ઠાથી સેવા કરવાવાળા લોકો છીએ. કોંગ્રેસના 50-50 વર્ષના સાશનમાં ભ્રષ્ટાચારના મૂળીયા ખૂબ ઊંડે સુધી પહોંચી ગયા હતા. ભ્રષ્ટાચાર શિષ્ટાચાર કહેવાતો હતો અને એટલે જ મેં એક વાર કીધેલું રેવન્યુ અને પોલીસમાં ઘુસી ગયેલા ભ્રષ્ટાચારને કારણે જનતા ત્રસ્ત હતી. અમે આ મૂળીયા ઉખાડવાનું કામ કર્યું છે અને કરી રહ્યા છીએ. લોકોને ભ્રષ્ટાચારના ભરડામાંથી મુક્ત કરવાનું કામ અમે કર્યું છે. ફેસલેસ સીસ્ટમ ગોઠવીને ડાયરેક્ટ સવલતો જનતાના હાથ સુધી પહોંચે એ અમારો નિષ્ઠાપૂર્વકનો પ્રયાસ રહ્યો છે.

(10:28 pm IST)
  • રાષ્ટ્રવ્યાપી લોકમતના પગલે સ્વિટ્ઝર્લન્ડે જાહેરમાં ચહેરા પરના આવરણ સહિત મુસ્લિમ મહિલાઓ દ્વારા પહેરવામાં આવતા 'બુર્કા' અથવા 'નિકાબ' પર પ્રતિબંધ મૂકવાની તરફેણમાં જનમત આપ્યો છે. access_time 10:59 pm IST

  • રાજકોટ એરપોર્ટ ઉપર રાજકોટ અને હૈદરાબાદને જોડતી પહેલી સીધી ફ્લાઇટનું ભવ્ય રીતે વોટર તોપની સલામી વડે આજે સ્વાગત કરવામાં આવ્યું હતું. તમામ આગમન કરનારા અને મુસાફરોને મીઠાઇ સાથે મીઠું મોઢું કરાવવામાં આવ્યું હતું. ફ્લાઇટના ક્રૂ મેમ્બર્સનું ફૂલ ગુચ્છથી સ્વાગત કરાયું હતું. access_time 12:30 pm IST

  • પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામના મોટા ભાઇ મોહમ્મદ મુથુ મીરા લેબબાઈ મરાઇકાયારનું 104 વર્ષની જૈફ વયે રામેશ્વરમ સ્થિત તેમના નિવાસસ્થાને દુઃખદ નિધન થયું છે. access_time 10:27 pm IST