Gujarati News

Gujarati News

News of Sunday, 7th March 2021

વિજયનો ઉન્માદ નહિં, પણ વિજયનું સન્માન કરી જવાબદારી નિભાવવાની અમારી પ્રતિબદ્ધતા : મુખ્યમંત્રી રૂપાણી

લોકશાહી શાસન વ્યવસ્થામાં જનહિતલક્ષી ચર્ચા વિચારણાનું આગવું મહાત્મ્ય

અમદાવાદ :મુખ્યમંત્રી અને ગુજરાત વિધાનસભા ગૃહના નેતા વિજયભાઈ  રૂપાણીએ વિધાનસભા ગૃહને રાજ્યપાલે કરેલા સંબોધનમાં સરકારના જનહિતલક્ષી વિવિધ પાસાઓની વિસ્તૃત જાણકારી સાથે આ સરકારની જનહિતલક્ષી કામગીરીની સરાહના કરી તે અંગેનો આભાર પ્રસ્તાવ આજે વિધાનસભા ગૃહમાં રજુ કર્યો હતો. મુખ્યમંત્રીએ રાજ્યપાલનું આ અભિભાષણ વિકાસની નવી દિશા ખોલનારું રાજ્ય સરકારને અને ગુજરાતને વધુ ગૌરવવંતી કામગીરી માટે પ્રેરણા આપનારું ગણાવતાં પોતાનું છટાદાર વક્તવ્ય પ્રસ્તુત કર્યું હતું. તેમણે લોકશાહી શાસન વ્યવસ્થામાં જનહિતલક્ષી ચર્ચા વિચારણાનું આગવું મહાત્મ્ય છે. સંસદીય પ્રણાલિકાઓમાં સરકાર અને વિપક્ષના સભ્યો દ્વારા થતી ચર્ચાઓનું અત્યંત મહત્વ રહ્યું છે

મુખ્યમંત્રી વિજયભાઈ  રુપાણીએ કોંગ્રેસને આડે હાથ લેતાં કહ્યું હતું કે, એક સમય એવો પણ હતો કે અમારી માત્ર બે બેઠકો હતી. ત્યારે તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધી અમને ટોણો મારતા હતા કે, તમારે તો રાષ્ટ્રીય પક્ષના પાટીયા ઉતારી લેવા જોઈએ તમારા કરતાં તો વધારે બેઠકો પ્રાદેશિક પક્ષોની છે. આજે સમયે કેવી કરવટ બદલી છે ? લોકસભામાં છેલ્લી બે ટર્મથી કોંગ્રેસ પક્ષની પાસે 50 સાંસદો પણ થતા નથી. આજે કેન્દ્રમાં નરેન્દ્રભાઈ  મોદીના નેતૃત્વ હેઠળની મજબૂત સરકાર કામ કરે છે.

 અહીં ગુજરાતમાં છેલ્લા અઢી દાયકાથી પરિણામલક્ષી નિર્ણયો લેતી મક્કમ ભાજપની સરકાર છે. તમામ નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયતો અને મોટાભાગની તાલુકા પંચાયતોમાં કેસરિયો લહેરાય છે ત્યારે કોંગ્રેસના મારા મિત્રોને કહેવાની ઇચ્છા છે કે, “વક્તને કિયા, ક્યા હસી સીતમ, તુમ રહે ન તુમ, હમ રહે ન હમ,” પણ અમે અમારા સિદ્ધાંતો અને જનહિતલક્ષી કાર્યોને હંમેશા વળગી રહ્યા છીએ. સત્તા માટે ક્યારેય રસ્તા બદલવાનું અમે મુનાસીબ માન્યું નથી. વિચારધારાથી કામ કરનારા અમે લોકો છીએ. એટલે જ આજે પંચાયતથી માંડીને પાર્લામેન્ટ સુધી જનતાએ અમારી નિષ્ઠા, અમારી પારદર્શિતા, અમારી સંવેદનશીલતા, અમારી નિર્ણાયકતાને ભરપુર આશિર્વાદ આપ્યા છે. જનતા જનાર્દનએ મત નહિ પરંતુ આશીર્વાદ આપ્યા છે.

61 વર્ષમાં પહેલીવાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 90 ટકા બેઠકો ઉપર જનતાનો વિશ્વાસ પ્રાપ્ત કર્યો છે. છ માંથી છ મહાનગરપાલિકાઓ, 81માંથી 75 નગરપાલિકાઓ, તમામ 31 જિલ્લા પંચાયતો અને 231માંથી 196 તાલુકા પંચાયતોમાં ગુજરાતની જનતાએ અમારામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આજે ગુજરાતમાં 100 ટકા સાંસદો, 100 ટકા જિલ્લા પંચાયતો, 100 ટકા મહાનગરપાલિકાઓ, 93 ટકા નગરપાલિકાઓ, 86 ટકા તાલુકા પંચાયતો, અને 61 ટકા ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે. ગુજરાતના 90 ટકા ભૌગૌલિક વિસ્તાર ઉપર જનતાએ કમળ ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. હું બીજી રીતે મુલવું તો ગુજરાતના 182 વિધાનસભા મતવિસ્તારો પૈકી 164 મતવિસ્તારોના લોકોએ ભાજપમાં તેમનો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. હું જન આશિર્વાદની કેટલીક આંકડાકીય વિગતો સાથે આ સભાગૃહનું ધ્યાન દોરવા માગું છું. તેમ કહીને 2015માં ભાજપને મળેલી બેઠકો જણાવી હતી.

 

તેમણે કહ્યું કે, રાજ્યભરના અખબારોએ ભાજપાની જીતને હૃદયપૂર્વક પોંખી છે ત્યારે મારે કહેવું જોઈએ કે, હારને પચાવવી અઘરી છે પરંતુ જીતને પચાવવી એનાથી પણ વધારે અઘરી છે. વિકટરી હેઝ મેની ફાધર્સ, ડીફીટ હેઝ નન, વિજયનો ઉન્માદ નહિં, પણ વિજયનું સન્માન કરી જવાબદારી નિભાવવાની અમારી પ્રતિબદ્ધતા છે.

કોઇ ભાજપા, કોંગ્રેસ કે પછી સ્વતંત્ર ગમે તે વિચારધારાને વરેલા હોય પણ સૌથી પહેલા તો એ ગુજરાતી અને ભારતવાસી છે. ગરવા ગુજરાતની મહાનભૂમિના આપણે સૌ સંતાનો છીએ. રાજકીય હથકંડા ગમે તે અજમાવાશે, પરંતુ આપણા સૌના હૃદયમાં ભારતમાતા, માતૃભૂમિ અને આપણું ગુજરાત અજરા અમર હોવું જોઈએ. આજે અમે અહીં છીએ કારણ કે, ગુજરાતને અને ભારતને અમે તહે દીલથી પ્રેમ કરીએ છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું છે કે, ભારત મારો પરમાત્મા અને ગુજરાત મારો આત્મા છે. સરકારના જનહિતલક્ષી કાર્યો જેને ગમે એ વખાણ કરે અને કેટલાક વિરોધ પણ કરે, અંતે તો ગુજરાતની સાડા છ કરોડની જનતા જ નિર્ણય કરે છે. અમે કોઈ નાતિ-જાતિ, ધર્મ, વર્ગનો નહિ બધાનો વિચાર કર્યો છે. સૌનું હિત જોયું છે

વિધર્મીઓ, સંસ્કૃતિનો ઉપહાસ કરનારા વિરોધીઓ, દેશ વિરોધી તાકાતો સામે સોમનાથ મંદિરની જેમ ગુજરાત અડિખમ છે.
વાવાઝોડા, અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતો સામે ‘ગરવા ગીરનાર’ની જેમ ગુજરાત અડિખમ છે.
મા નર્મદાના પાણી અને ડેમનો વિરોધ કરનારાઓનો સામનો કરીને લોહપુરુષ સરદાર પટેલની જેમ ગુજરાત અડિખમ છે.
વેરઝેર, કોમવાદ, જાતિવાદથી ગુજરાતને તોડવાની મનોવૃત્તિઓ સામે સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેમ ગુજરાત અડિખમ છે.
દેશની આઝાદીના મજબૂત સૂત્રધાર મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલની જેમ ભ્રષ્ટાચારીઓ સામે ગુજરાત અડિખમ રહ્યું છે.
રાષ્ટ્ર વિરોધીઓના અપપ્રચારો અને ઝંઝાવાતો વચ્ચે શ્રી નરેન્દ્રભાઈ મોદીના મજબૂત નેતૃત્વની જેમ ગુજરાતની વિકાસયાત્રા અડિખમ છે

(8:57 pm IST)