Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

કિરીટ પટેલની ઓફિસ બહાર ભાજપા કાર્યકર્તાઓનો હુમલો

ધારાસભ્ય કિરીટ પટેલની ઓફિસની બહાર હંગામો : કોંગ્રેસી કાર્યકરો-ભાજપના કાર્યકરો વચ્ચેની મારામારીની ઘટના કેમેરામાં કેદ : પોલીસને દરમિયાનગીરીની ફરજ

અમદાવાદ,તા. ૭ : પાટણમાં કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલની ઓફિસ બહાર તેમના સમર્થકો અને ભાજપના કાર્યકરો સાથે છૂટ્ટા હાથની મારામારી થતાં ભારે ચકચાર મચી ગઇ હતી. કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચેની આ મારામારીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે. આ ઘટનામાં કિરીટ પટેલે ભાજપના આગેવાનો પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું કે, ભાજપના આગેવાનો દ્વારા મારી ઓફિસ બહાર કોંગ્રેસના કાર્યકરો સાથે મારામારી કરી ગંભીર હુમલો કરવામાં આવ્યો હતો. એક તબક્કે પોલીસને દરમ્યાનગીરી કરવાની ફરજ પડી હતી. ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચેની આ તકરાર પાછળ પાટણ યુનિવર્સિટીનો વિવાદ જવાબદાર હોઇ શકે છે. આ ઘટનામાં ઇસી મેમ્બર શૈલેષ પટેલ અને મનોજ પટેલે ઉગ્ર બોલાચાલી કરતા મામલો બિચક્યો છે. લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ ગુજરાતની રાજનીતિમાં ભડકો જોવા મળી રહ્યો છે. પાટણના કુલપતિપદેથી ડો. પ્રજાપતિને હટાવવા કોંગ્રેસના ધારાસભ્ય પ્રો.કિરીટ પટેલે છ મહિનાથી આંદોલન શરૂ કર્યું હતું, તે સમયે ઊંઝાના ધારાસભ્ય અને પાટણથી ભાજપમાં એન્ટ્રી લેનારા ડો.આશા પટેલે પણ તેમાં સૂર પુરાવ્યા હતા. ઉત્તર ગુજરાત યુનિર્વિસટીમાં સાથે સેનેટ રહેલા આ બંને નેતાઓનું મિશન સરકારે પાર પાડયું છે. મળતી માહિતી પ્રમાણે ગુરુવારે સવારે ભાજપના સેનેટ સભ્ય તેમજ ઈસી મેમ્બર કોંગ્રેસ એમએલએની ઓફિસમાં ઘૂસી આવ્યા હતા. અહીં હાજર કોંગ્રેસના કાર્યકરો અને તેમની વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. મામલો વધારે બીચકી જતાં અહીં સ્થાનિક પોલીસ આવી પહોંચી હતી અને ભારે જહેમત બાદ પરિસ્થિતિ થાળે પાડી હતી. મળતી માહિતી પ્રમાણે ધારાસભ્યની ઓફિસ બહાર ૫૦થી વધારે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. પ્રો.કિરીટ પટેલ પણ ડો.આશાબહેન પટેલને પગલે ભાજપમાં જોડાશે તેવી આજે સવારે વાતો ફેલાઇ હતી. પરંતુ પાછળથી પાંચમાંથી ચાર  ધારાસભ્યોએ મીડિયા સામે આવીને રદીયો આપ્યો હતો. જો કે, આજની બબાલના કારણે ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું.

 

(7:30 pm IST)