Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

પોલીસ કર્મીઓને રિફ્રેશર તાલીમ અપાય છે : જાડેજા

વિધાનસભા ગૃહમાં માહિતી અપાઈ

અમદાવાદ,તા.૭: રાજ્યને કાયદો વ્યવસ્થા જાળવણી અને સલામતી આપવા માટે રાજ્યની પોલીસ તાલીમ સંસ્થાઓમાં પોલીસ કર્મચારી અને અધિકારીઓને રીફ્રેશરની તાલીમ આપવામાં આવી રહી હોવાનું ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે.

આજે ગાંધીનગર વિધાનસભા ગૃહમાં સંતરામપુરના ધારાસભ્ય કુબેરભાઈ ડીંડોર દ્વારા રાજ્યની પોલીસ તાલીમ સંસ્થાઓ દ્વારા રીફ્રેશર તાલીમ સંદર્ભે પૂછવામાં આવેલા લેખિત પ્રશ્નો પ્રત્યુત્તર આપતાં ગૃહ રાજય મંત્રીએ જણાવ્યું હતું કે, તા. ૩૧.૧૨.૨૦૧૭ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં રાજ્યની ચાર પોલીસ તાલીમ સંસ્થાઓમાં પોલીસ કોન્સ્ટેબલ, પોલીસ સબ-ઈન્સ્પેક્ટર અને આઈપીએસ મળીને કુલ ૬૧૨ અધિકારી-કર્મચારીઓને રીફ્રેશર તાલીમ આપવામાં આવી છે. જેમાં ગુજરાત પોલીસ અકાદમી-કરાઈમાં ૪૧૨, પોલીસ તાલીમ શાળા-વડોદરામાં ૨૬, પોલીસ તાલીમ મહાવિદ્યાલય-જુનાગઢમાં ૨૮ અને રાજ્ય અનામત પોલીસ તાલીમ કેન્દ્ર ચોકી સોરઠમાં ૧૪૬નો  સમાવેશ થાય છે, તેમ વધુમાં મંત્રીએ ઉમેર્યું હતું.

(10:25 pm IST)