Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

વિકાસલક્ષી ખર્ચ કરવાના પ્રશ્ને ગુજરાત અગ્રેસર છે

પૂરક માંગણીઓનું વિધેયક ગૃહમાં પસાર કરાયું: માખખાગત સવલતો- માનવ સેવા માટે આયોજન કરાયુ

અમદાવાદ,તા.૭ : નાયબ મુખ્યમંત્રી અને નાણાં મંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, શ્રેષ્ઠ નાણાકીય વ્યવસ્થાપનને કારણે વિકાસલક્ષી ખર્ચમાં ઉત્તરોત્તર વધારો કરીને ગુજરાત દેશભરમાં અગ્રેસર રહ્યું છે. રાજ્ય સરકારની દીર્ઘદષ્ટિ અને કરકસરપૂર્વક નાણાંના ઉપયોગના કારણે ગુજરાતના દેવામાં પણ ઉત્તરોતર ઘટાડો થયો છે. ગુજરાત વિધાનસભા ખાતે સન ૨૦૧૮ના ગુજરાત પૂરક વિનિયોગ વિધેયક રજૂ કરતાં નાણાંમંત્રીએ કહ્યું કે, રાજ્યમાં માળખાગત સવલતોનું નિર્માણ તેમજ માનવ સેવાઓ માટે ખાસ આયોજનના પરિણામે આ વધારાનો ખર્ચ કરાયો છે. તે માટે આ પૂરક વિનિયોગ વિધેયક રજુ કરાયું છે. તેમણે કહ્યું કે, મહેસુલ ખર્ચ માટે ૧૦૧૮૨ કરોડ અને મૂડી ખર્ચ માટે ૬૯૨ કરોડ મળી કુલ ૧૦૭૯૨ કરોડની પૂરક માંગણીઓ રજૂ કરાઈ છે. જેમાં મુખ્યત્વે કર્મચારીઓને સાતમા પગારપંચના લાભો, પેન્શન, ગ્રેજ્યુઈટીના લાભો, ખેડુતોને કૃષિ વિષયક સબસીડી તેમજ કૃષિ સામેના જોખમોને પહોંચી વળવા નાના મધ્યમ ઉદ્યોગોના વિકાસ માટે પ્રોત્સાહન, આપત્તિ વ્યવસ્થાપનની વધારાના ખર્ચ માટે તેમજ ખેડુતો પાસેથી મગફળી, કપાસની ટેકાના ભાવે ખરીદી કરવામાં આળી છે, જેના માટે આ ખર્ચ કરાયો છે. તેમણે ઉમેર્યું કે, યુવાનોને ઘરઆંગણે જ તબીબી શિક્ષણ સસ્તુ મળે તે માટે સરકારી કોલેજોમાં એમબીબીએસમાં માત્ર ૬૦૦૦ની એક વર્ષની ફીથી તબીબી શિક્ષણ પુરુ પાડવામાં આવે છે. અગાઉની સરકારોમાં જે બેઠકો હતી તેના કરતા વધુ બેઠકો ઉપલબ્ધ બનાવી છે. અત્યારે ૪૦૦૦ જેટલી તબીબી શિક્ષણની બેઠકો છે. સાથે સાથે મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના હેઠળ રાજયની તમામ જ્ઞાતિની ૬ લાખથી ઓછી આવક મર્યાદા ધરાવતી દીકરીઓને વિના મૂલ્યે શિક્ષણ પુરૂ પાડવામાં આવે છે. ઉપરાંત આદિવાસી સમાજ માટે પણ એલએલબી, બીએસસી, બીકોમ અને એમબીબીએસની બેઠકો વધારી છે. રાજ્ય સરકારે અનુ.જનજાતિના ૧,૪૧,૦૭૧ વિદ્યાર્થીઓને ૧૪૫ કરોડની શિષ્યવૃતિ ચૂકવી છે. ગુજરાતના સરકારી દેવા અંગે સભ્યો દ્વારા કરાયેલી ચર્ચાનો જવાબ આપતા નાણામંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, વર્તમાન સરકારે રાજ્યના ખેડુતો, ગરીબો, મહિલાઓ અને યુવાનોના વિકાસ માટે નાણાંનો ઉપયોગ કર્યો છે. સરકારે વિકાસ માટે જરૂરિયાત મુજબ લોન લીધી છે. વિશ્વના આર્થિક સક્ષમ એવા અમેરિકા અને સાઉદી અરેબિયા જેવા દેશોએ પણ વિકાસ માટે અર્થવ્યવસ્થાના ભાગરૂપે લોન લીધી છે. વર્લ્ડ બેન્ક, એડીબી અને વિશ્વના દેશો વિકાસ માટે નજીવા દરે લોન આપે છે. અગાઉની કોંગ્રેસની સરકારે પણ  શિક્ષણ માટે નેધરલેન્ડ તેમજ આરોગ્ય માટે અન્ય દેશો પાસેથી લોન લીધી છે, તેમ નીતિન પટેલેએ ઉમેર્યું હતું.

(10:17 pm IST)