Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

હવે મ્યુનિ.કોંગ્રેસના નેતા પદ માટે સિનિયર વચ્ચે ખેંચતાણ

સુરેન્દ્ર બક્ષી, જયશ્રી શાહ સહિતના નામો ચર્ચામાં : દિનેશ શર્માની અઢી વર્ષની અવધિ પરિપૂરી થઇ રહી છે ત્યારે કોંગ્રેસમાં નેતાપદ માટે ખેંચતાણ-લોબીંગની શરૂઆત

અમદાવાદ,તા. ૭ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષ કોંગ્રેસના પ્રતિષ્ઠાભર્યા અને મોભાદાર નેતા પદ માટે કોંગ્રેસમાં સિનિયર કોર્પોરેટરો વચ્ચે હુંસાતુંસી શરૂ થઇ ગઇ છે. અમ્યુકોમાં હાલના વિપક્ષ કોંગ્રેસના નેતા દિનેશ શર્માની અઢી વર્ષની ટર્મ પૂરી થઇ રહી છે ત્યારે કોંગ્રેસમાં નેતાપદ માટે ખેંચતાણ-લોબીંગ શરૂ થઇ ગયા છે. જો કે, કોંગ્રેસના સ્થાનિક નેતાઓ માટે વિવાદો અને આક્ષેપો વચ્ચે ફસાયેલા કેટલાક સિનિયર કોર્પોરેટરો વચ્ચે આ વખતે સ્વચ્છ અને પારદર્શી છબી ધરાવતાં અને અમ્યુકોમાં વિપક્ષના નેતાની ભૂમિકા અસરકારક રીતે ભજવે અને નગરજનોના પ્રશ્નોને વાચા આપે તેવા કોર્પોરેટરને સ્થાન આપવાની વિચારણા હાથ ધરાઇ છે. અમ્યુકોમાં વિપક્ષના નેતાપદના નામોની ચર્ચા અને વિચારણા કોંગ્રેસમાં હાલ મહત્વનો મુદ્દો બની રહ્યો છે.

   અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષ કોંગ્રેસના નેતાપદની ચર્ચામાં આગળ ચાલી રહેલા નામોમાં દરિયાપુરના વરિષ્ઠ કોર્પોરેટર સુરેન્દ્ર બક્ષી, મહિલા કોર્પોરેટર જયશ્રી શાહ, કમળાબહેન ચાવડા, હસનખાન અને તૌફિકખાન પઠાણના નામોનો સમાવેશ થાય છે. તો બીજીબાજુ, આ સિવાયના અન્ય કોર્પોરેટરો પણ પોતપોતાની રીતે રેસમાં સામેલ થવા જોર લગાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, અમ્યુકોમાં હાલના વિપક્ષ કોંગ્રેસના નેતા દિનેશ શર્માની અઢી વર્ષની ટર્મ પૂરી થઇ રહી છે તે પહેલાં જ તાજેતરમાં તેઓને ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમ્યાન શિસ્તભંગ કરવા મામલે કોંગ્રેસપક્ષ દ્વારા તેમને નોટિસ ફટકારાતાં તેઓ એક નવા વિવાદમાં આવ્યા છે. વિધાનસભાની ચૂંટણી દરમ્યાન દિનેશ શર્માએ બાપુનગર બેઠક પરથી મજબૂત દાવેદારી નોંધાવી હતી. જો કે, કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા આ બેઠક પર પૂર્વ મેયર હિંમતસિંહ પટેલને ટિકિટ ફાળવાઇ હતી, જેને લઇ ભારે વિવાદ ઉઠયો હતો અને પૂર્વ વિસ્તારમાં અને પ્રદેશ કોંગ્રેસ કચેરી ખાતે હિંમતસિંહ વિરૂધ્ધ ઉગ્ર દેખાવો પણ થયા હતા. બાદમાં હિમંતસિંહે પક્ષવિરોધી પ્રવૃત્તિ બદલ દિનેશ શર્મા વિરૂધ્ધ પક્ષના મોવડીઓને ફરિયાદ પણ કરી હતી, જેના અનુસંધાનમાં આખરે પ્રદેશ કોંગ્રેસ દ્વારા દિનેશ શર્માને શિસ્તભંગ મામલે નોટિસ ફટકારાઇ હતી. આ વિવાદને પગલે દિનેશ શર્માને ૨૦૧૦થી ૨૦૧૫ની ટર્મની જેમ સળંગ પાંચ વર્ષ માટે નેતાપદે ચાલુ રખાય તેવી શકયતા જણાતી નથી. છેલ્લી ટર્મમાં બદરૂદ્દીન શેખ જ સતત પાંચ વર્ષ માટે અમ્યુકોમાં વિપક્ષના નેતાપદે રહ્યા હતા. તેથી હવે અમ્યુકોમાં વિપક્ષ કોંગ્રેસના નેતાપદના નામની પસંદગીની કવાયત કોંગ્રેસ માટે મહત્વની બની રહેશે તેમાં કોઇ શંકા નથી.

(8:38 pm IST)