Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

નડિયાદ એક્સપ્રેસ હાઇવે પર ખલાલ ચેકપોસ્ટ નજીક પોલીસે બાતમીના આધારે 72 હજારનો દારૂનો જથ્થો ઝડપ્યો

ખેડા:જીલ્લામાં બે જુદા જુદા સ્થળોએ ગત્ રાત્રે પ્રોહીબીશનના ગુનાઓ નોંધાયા છે. જેમાં નડિયાદ નજીકથી પસાર થતાં એક્સપ્રેસ હાઈવે ઉપર ટ્રાવેલ્સ ટેમ્પામાંથી અને કઠલાલના ખલાલ ચેક પોસ્ટ પાસેથી પસાર થઈ રહેલ  એક કારમાંથી વિદેશી દારૂ કબ્જે કરાયો છે. આ બન્ને બનાવોમાં કુલ રૂ.૭૨,૭૨૦/- નો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. સાથે સાથે બન્ને વાહન ચાલકોની પણ સ્થળ ઉપરથી અટકાયત કરાઈ છે. આ અંગે હદ ધરાવતા પોલીસ મથકે પ્રોહીબીશનનો ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
પહેલા બનાવ નડિયાદમાં બન્યો હતો. શહેર નજીકથી પસાર થઈ રહેલ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર ગત્ રાત્રે આર.આર.સેલ પોલીસના માણસો વાહન ચેકીંગમાં ઉભા હતા. આ દરમ્યાન અમદાવાદ તરફ જઈ રહેલ એક ટ્રાવેલ્સ ટેમ્પા નં.જી.જે.૦૩ બી.વી.૨૮૨૪ને અટકાવ્યો હતો. આ ટેમ્પામાં દારૂ છુપાવ્યો હોવાનું જાણ થતાં પોલીસે વાહનની તલાસી લીધી હતી. દરમ્યાન સીટની નીચે એક કાળા કલરના પ્લાસ્ટિકની કોથળીમાંથી અલગ અલગ માર્કાની વિદેશી દારૂની બોટલ નંગ ૧૨૦ કિંમત રૂ.૫૭,૬૦૦/-નો મળી આવ્યો હતો. અન્ય એક બનાવ કઠલાલ પંથકમાં બન્યો હતો. તાલુકાના ખલાલ ચેકપોસ્ટ પાસેથી ગત્ રાત્રે પસાર થઈ રહેલ ગાડી નં.એમ.એચ. ૨ એ.કે.૭૦૦ને કઠલાલ પોલીસે અટકાવી હતી. ગાડીની ડિકી ખોલી પોલીસે તલાસી આદરતા તેમાંથી અલગ અલગ માર્કાની બોટલ નંગ ૪૨ કિંમત રૂ.૧૫,૧૨૦/-નો દારૂ મળી આવ્યો હતો. આ બનાવમાં પોલીસે ગાડી ચાલક રાહુલ રમેશ પટેલ (રહે.ખોખરા, અમદાવાદ)ને ઝડપી લીધો છે. સાથે સાથે તેની પાસેથી ગુનામાં વપરાયેલ ગાડી તથા મોબાઈલ ફોન મળી કુલ રૂ.૧,૧૫,૧૨૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

(7:00 pm IST)