Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

ઈડરના સાબલીની સીમમાંથી દીપડાનો મૃતદેહ મળી આવતા ચકચાર

ઈડર:ના સાબલી ગામની સીમમાં મહાકાલી મંદિર નજીકના ડુંગરની બખોલમાંથી હિંસક વન્ય પ્રાણી દીપડાનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. આ દીપડો બીમારીના કારણે મોતને ભેટયો હોવાનું વનતંત્રના અધિકારીએ જણાવ્યું છે. તંત્રએ દીપડાના મૃતદેહનું સ્થળ પર પી.એમ. કર્યા બાદ અગ્નિસંસ્કાર પણ કર્યા  હતા.
મળતી વિગતો અનુસાર સાબલી ગામની સીમમાં મહાકાલી મંદિર નજીકના ડુંગર પરથી ભયંકર દુર્ગંધ આવતી હોઈ, સ્થાનિકોએ કોઈ અશુભ ઘટના ઘટી હોવાની શંકા સાથે ડુંગર વિસ્તારમાં તપાસ હાથ ધરી  હતી. જેમાં ડુંગર પર આવેલ એક પંદર પૂટ જેટલી ઊંડી બખોલમાંથી આ દુર્ગંધ આવતી હોવાનું નક્કી થતાં, ગામના કેટલાક યુવકોએ બખોલમાં ઉતરી તપાસ કરી હતી. આ તપાસ દરમ્યાન વન્ય પ્રાણીનો મૃતદેહ નજરે પડતાં, સ્થાનિકોએ વનતંત્રને જાણ કરી હતી. દરમિયાન જાણકારી બાદ દોડી ગયેલા સ્થાનિક વનકર્મીઓએ મૃત પ્રાણી દીપડો હોવાનું જોતાં વન સંરક્ષક સહિતના અધિકારીને જાણ કરી હતી. સાથે જ દીપડો વાઈલ્ડ લાઈફ કેટેગરીનું પ્રાણી હોઈ ગાંધીનગર ખાતે પણ જાણ કરાઈ હતી.
દરમિયાન જિલ્લા વન સંરક્ષક તથા આર.એફ.ઓ.ની હાજરીમાં દીપડાને બખોલમાંથી બહાર લાવી તપાસ હાથ ધરાઈ હતી. જેમાં આ દીપડો ચારેક દિવસ અગાઉ મોતને ભેટયો  હોવાનું જણાઈ આવ્યું હતું.

(6:58 pm IST)