Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

ગુજરાતના એક માત્ર IPS નરસિંમ્હા કોમાર સહિત દેશના ર૬ IPSને કેન્દ્રએ 'ઇમપેનલ્ડ' જાહેર કર્યા

સેન્ટ્રલ ડેપ્યુટેશનમાં જશે ત્યારે જોઇન્ટ સેક્રેટરી સમકક્ષ પદ મળશે

રાજકોટ, તા., ૭: તાજેતરમાં કેન્દ્ર સરકારે ૧૯૯૬ બેચના ૨૬ જેટલા આઇપીએસ અફસરોને કેન્દ્ર માટે 'ઇમપેનલ્ડ' જાહેર કર્યા છે. જેમાં ગુજરાતના એક માત્ર આઇજી કક્ષાના સિનીયર આઇપીએસ નરસિંમ્હા કોમારની પસંદગી થતા તેમના વિશાળ શુભેચ્છકો અને સાથી અધિકારીઓમાં હર્ષની લાગણી ફેલાવા પામી છે.

અત્રે એ યાદ રહે કે, નરસિંમ્હા કોમાર કે જેઓ હાલમાં ગાંધીનગર ખાતે પ્લાનીંગ અને મોડેનાઇઝેશન વિભાગ જેવા ખુબ જ અગત્યના વિભાગના વડા તરીકે ફરજ બજાવે છે. તેઓની ગણના રાજય પોલીસ તંત્રના સંનિષ્ઠ અને કાર્યદક્ષ આઇપીએસ અધિકારીમાં થાય છે.  તેઓએ ભુતકાળમાં પણ લાંબો સમય સુધી સીબીઆઇમાં યશસ્વી ફરજ બજાવી છે.

તેઓની કાબેલીયતતા ધ્યાને લઇ તેઓને ગુજરાત પરત ફર્યા ત્યારે સુરત જોઇન્ટ પોલીસ કમિશ્નર અને સુરત રેન્જ આઇજી વિગેરે મહત્વના પદો આપવામાં આવ્યા હતા. સુરત રેન્જના કાર્યકાળ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં નદીઓની માફક દારૂની નદીઓ જે વહેતી હતી તેમના પર અંકુશ મુકવામાં તેઓને ખુબ સફળતા મળી હતી. જો કે , આ સફળતાને કારણે જેઓના હિત જોખમાતા હતા તેઓને ખુબ ખટકતી હતી. પરિણામે તેઓને ખુબ સહન કરવાનો પ્રસંગ બનેલ.

ગૃહ ખાતાએ તેમની કાબેલીયતતા ધ્યાને લઇ તેઓને રાજયના ટેકનીકલ અને કોમ્યુનીકેશન  વિભાગના વડા બનાવ્યા હતા. તેઓની સ્વચ્છ છબી ધ્યાને લઇ ગુજરાત પોલીસ તંત્રના નવ નિર્માણ અને આધુનિકરણ માટેની જે ખરીદી જે વિભાગ કરવામાં આવે છે તે વિભાગમાં સડો ન પેસે તે માટે પણ નરસિંમ્હા કોમારની પસંદગી કરવામાં આવેલ. હાલ તેઓ અહિં ફરજ બજાવે છે. કેન્દ્રમાં મોદી સરકાર રચાયા બાદ ગુજરાતના આઇએએસ અને આઇપીએસ કક્ષાના સંનિષ્ઠ અધિકારીઓ કેન્દ્ર ડેપ્યુટેશન ઉપર ચાલ્યા ગયા છે. ગુજરાતમાં આંગળીના વેઢે ગણી શકાય તેવા સારા આઇપીએસ રહયા છે. વડાપ્રધાનના અંગત સુરક્ષાદળમાં પણ બે આઇજીપી કક્ષાના અધિકારીઓને દિલ્હી ખાતે એસપીજીમાં મોકલવાની ચર્ચા પણ છે.

(1:05 pm IST)