Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

કોર્ટની કામગીરીને ઝડપી બનાવવા ગુજરાત હાઇકોર્ટનો અેકશન પ્લાનઃ પાંચ વર્ષથી વધુ સમયથી ચાલતા કેસમાં અઠવાડિયાથી વધુની મુદ્દત ન આપવા સૂચનાઃ અઠવાડિયામાં સુનાવણી ન થાય તો નીચલી અદાલતના જજને SMS મોકલાશે

અમદાવાદઃ નીચલી અદાલતોમાં વર્ષો જૂના પેન્‍ડીંગ કેસોનો જલ્દી નિકાલ આવે તે માટે હાઇકોર્ટે ખાસ અેકશન પ્લાન બનાવ્યો છે. જેમાં પાંચ વર્ષ કે તેથી વધુ જૂના કેસમાં અઠવાડિયાથી વધુની મુદ્દત ન આપવા તથા અઠવાડિયામાં સુનાવણી ન થાય તો SMS મારફત નીચલી અદાલતોના જજને જાણ કરવા સહિતના નિર્ણય લેવાયા છે.

નીચલી અદાલતોમાં ન્યાયિક અધિકારીઓ બાકી રહેલા કેસોનો જલ્દીથી નિકાલ કરે તે માટે ગુજરાત હાઇકોર્ટે ઓટોમેટેડે અલર્ટ સિસ્ટમ શરૂ કરી છે. પાંચ વર્ષ કે તેથી વધુ સમયથી જજ દ્વારા જે કેસોમાં મુદત આપવામાં આવી હોય તેવા કેસોના નિકાલ માટે હવે જજને SMS મોકલવામાં આવશે. હાઇકોર્ટના રજિસ્ટાર જનરલ પી.આર. પટેલના જણાવ્યા પ્રમાણે, નીચલી અદાલતોના જજોને પાંચ વર્ષ કે તેથી વધુ સમયથી ચાલતા કેસોમાં હવે અઠવાડિયાથી વધુની મુદત ન આપવાની સૂચના અપાઇ છે.

જજોને આ પ્રકારના કેસનો ત્વરિત નિકાલ કરવા માટે સૂચન કરાયું છે. જો કોઇ જજ પાંચ વર્ષ કે તેથી વધુ જૂના કેસની સુનાવણી એક અઠવાડિયામાં ન કરે તો બીજા દિવસે તેમને કેસની સુનાવણી કરવા અંગેનો એક મેસેજ મોકલવામાં આવશે. સાથે જ દરેક જજને બાકી રહેલા કેસોની યાદી પણ મોકલાશે. ગુજરાત હાઇકોર્ટની નીચલી અદાલતોમાં હજુ 15,95,011 કેસો પેંડિંગ છે. જેમાંથી 2,44,657 (15.34%) કેસ જિલ્લા, મેજેસ્ટ્રીયલ અને સિવિલ કોર્ટમાં એક દાયકાથી વધુ સમયથી પેંડિંગ છે.

2,63,119 (16.5%) કેસ એવા છે જે પાંચથી દસ વર્ષથી પેંડિંગ છે. સમગ્ર ભારતમાં 22,57,996 કેસ છે જે છેલ્લા દસ વર્ષથી વધારે વખતથી નીચલી અદાલતોમાં પેંડિંગ છે. જે દેશની નીચલી અદાલતોના બાકી કેસોના 8.52% દર્શાવે છે. 42,42,425 એટલે કે 16.01% જેટલા કેસો પાંચ વર્ષથી વધારે સમયથી નીચલી અદાલતોમાં પેંડિંગ છે.

રજિસ્ટાર જનરલના જણાવ્યા પ્રમાણે, કોર્ટની કાર્યવાહીમાં અવરોધરૂપ થતા આ પ્રકારના કેસોના નિકાલ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ” થોડા વર્ષો પહેલા નીચલી અદાલતોમાં બાકી કેસોની સંખ્યા 22 લાખ જેટલી હતી, જે હવે ઘટીને 16 લાખ થઇ છે. પાંચ વર્ષથી વધારે સમયથી પેંડિંગ કેસોની સંખ્યા પણ 7.5 લાખ જેટલી હતી, તેમાં પણ હવે નોંધપાત્ર ઘટાડો થયો છે.”

(5:19 pm IST)