Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

મહેસાણાના લાડોલમાં મંદિરમાં પૂજા કરવા બાબતે દરબારો અને પટેલો વચ્‍ચે ‌ડખ્‍ખોઃ સામસામો પથ્થરમારો-વાહનોમાં આગ લગાડાઇઃ ૪ લોકોની ધરપકડઃ ભારેલો અગ્નિ

મહેસાણાઃ જિલ્લાના વિજાપુર પાસેથી આવેલ લાડોલ ગામે મંદિરમાં પૂજા કરવા બાબતે દરબારો અને પટેલો વચ્‍ચે જબરો ડખ્‍ખો થયો હતો. જેના કારણે તોફાન જેવી સ્‍થિતિનું નિર્માણ થયેલ.

રવિવાર રાતની આ ઘટનામાં બંને બાજુથી ટોળાં આમને-સામને આવી ગયા હતા, અને તોડફોડ કરવાની સાથે સાત વાહનોમાં આગ ચાંપી દેવામાં આવી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, અંદાજે 400 જેટલા લોકોએ આ ઘટના બાદ તોડફોડ શરુ કરી હતી, અને તેમાં પોલીસ વાન પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસે ટોળાંને વિખેરી સ્થિતિ કાબૂમાં લેવા માટે ટિયર ગેસના બે શેલ છોડવા પડ્યા હતા. પોલીસે આ મામલે ચાર લોકોની ધરપકડ પણ કરી છે.

લાડોલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસવી ચૌધરીના જણાવ્યા અનુસાર, સ્થિતિની ગંભીરતાને જોતા વધારાની પોલીસ ફોર્સ મગાવવામાં આવી હતી. આ ઘટના બન્યાના બે દિવસ બાદ પણ હાલ લાડોલ ગામે બંને જ્ઞાતિઓ વચ્ચે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે, અને સ્થિતિ કાબુમાં રહે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

મહેસાણા જિલ્લાના એસપી ચૈતન્ય મહાડિક તેમજ અન્ય સીનિયર પોલીસ અધિકારીઓ પણ લાડોલ પહોંચ્યા હતા, અને સ્થિતિનો તકાજો મેળવ્યો હતો. આ મામલે જે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમની ઓળક સાવનસિંહ સોલંકી, મહેન્દ્રસિંહ પરમાર, સંદીપ પટેલ તેમજ હીતકુમાર પટેલ તરીકે કરવામાં આવી છે.

(5:17 pm IST)