Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

અમદાવાદમાં ૨૮ વર્ષીય લેડી ડોન સોનલ મકવાણાની ધરપકડઃ પાસામાં ધકેલાઇઃ સોનલની નફ્ફટાઇ, કહ્યું મને જેલમાં જવાની કોઇ ચિંતા નથી, મારો ધંધો મારા વગર પણ ચાલશે

અમદાવાદઃ દારૂના ધંધામાં અનેક મહિલા બુટલેગરો સંકળાયેલી છે. ત્‍યારે અમદાવાદમાં ૨૮ વર્ષની લેડી લતીફ તરીકે ઓળખાતી ૨૮ વર્ષીય સોનલ મકવાણાને પોલીસે ધરપકડ કરી પાસા હેઠળ વડોદરા સેન્‍ટ્રલ જેલમાં મોકલી આપી છે.

રવિવારે રાતે એલિસબ્રિજ ઈન્સપેક્ટર અપૂર્વ પટેલે જ્યારે સોનલની ધરપકડ કરી ત્યારે તેણે જણાવ્યું કે, મને જેલમાં જવાની કોઈ ચિંતા નથી, મારો ધંધો મારા વગર પણ ચાલશે. ઉલ્લેખનીય છે કે PASA અંતર્ગત સોનલને એક વર્ષ માટે ડિટેન કરવામાં આવી છે.

સોનલના શબ્દો સાંભળીને પોલીસને 80 અને 90ના દશકમાં આખા ગુજરાતમાં ગેરકાયદેસર દારૂનો ધંધો કંટ્રોલ કરતા અબ્દુલ લતિફની યાદ આવી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, લતિફની જેમ સોનલે પણ 11 વર્ષની ઉંમરમાં આ કામ શરુ કર્યુ હતું.

પૂછપરછ કરનારા પોલીસ અધિકારીઓને સોનલે જણાવ્યું કે, સાહેબ 11 વર્ષની હતી ત્યારે એક નંગ વેચવા જતી પકડાઈ ગઈ હતી, પોલીસે ઘણી મારી હતી. ત્યારથી મારો ડર નીકળી ગયો અને હું દારુ વેચતી થઈ.

સોનલની ધંધો કરવાની સ્ટાઈલ પણ લતિફની સ્ટાઈલને મળતી આવે છે. લતીફે દારૂનો ગેરકાયદેસર ધંધો કરતા અન્ય બૂટલેગર્સને પોતાના રસ્તામાંથી દૂર કર્યા હતા તે જ રીતે સોનલ પણ પોતાના વિસ્તારમાં કોઈ બીજાને એન્ટર નહોતી થવા દેતી. પોલીસના સૂત્રોએ જણાવ્યું કે, સોનલ તેના વિસ્તારમાં ધંધો કરવા આવતા લોકોને રોજગારના બીજા રસ્તા કાઢી આપતી હતી. તેણે એકને રીક્ષા અપાવી હતી.

સોનલ પાસે ખબરીઓનું નેટવર્ક હતું, આ પહેલા તેણે 3 વાર PASA ઓર્ડર રદ કરાવ્યો હતો. પરંતુ આ વખતે અમે તેને ડિટેન કરી લીધી. સોનલે પોલીસને જણાવ્યું કે, જો તમે એક દિવસ મોડા પડ્યા હોત તો હું કોર્ટમાં પહોંચી ગઈ હોત. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સોનલ ગુલબાઈ ટેકરા વિસ્તારમાં ઝૂંપડીમાં રહે છે, પરંતુ તેની પાસે પોતાના ચાર મકાન અને લક્ઝરી કાર્સ છે.

(4:48 pm IST)