Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

વડોદરા શહેર જિલ્લાની અદાલતોમાં તા.૧૧મીએ મેગા નેશનલ લોક અદાલત યોજાશે

પક્ષકાર પોતાનો કેસ લોક અદાલતમાં મૂકવા માગતા હોય તો જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનો સંપર્ક કરવો

વડોદરા:જિલ્લા કાનુની સેવા સતા મંડળ, વડોદરા અને નેશનલ લીગલ સર્વિસિસ ઓથોરીટીના નેજા હેઠળ ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસિસ ઓથોરીટીના માર્ગદર્શન  તેમજ વડોદરાના  પ્રિન્સિપાલ ડિસ્ટ્રિકટ જજ અને ડિસ્ટ્રિકટ લીગલ સર્વિસ ઓથોરિટીના ચેરમેન  એમ.આર. મેંગદેની અધ્યક્ષતામાં આ વર્ષની પ્રથમ મેગા નેશનલ લોક અદાલતનું તા. ૧૧.૦૨.૨૦૨૩ ના રોજ આયોજન કરવામાં આવ્યું છે.

  જેમાં વડોદરા શહેર  તેમજ તાલુકા કોર્ટોમાં ફોજદારી સમાધાન લાયક ગુનાના કેસો, નેગો એકટ કલમ ૧૩૮ ના કેસો, ફકત નાણાની વસુલાતના કેસો, મજુર તકરારના કેસો, ઈલેકટ્રીસીટી એન્ડ વોટર બીલ્સ (નોન કંપાઉન્ડેબલ કેસોને બાદ કરતા), લગ્ન વિષયક તકરારનાં (છુટાછેડા સિવાયના) કેસો, જમીન સંપાદનન રેફરન્સના કેસો, નોકરી વિષયક પગાર, ભથ્થા અને નિવૃતિના લાભોને લગતા કેસો, મહેસુલ કેસો, અન્ય દીવાની કેસો (ભાડા તકરાર, સુખાધિકાર, મનાઈ હુકમનાં, વિશીષ્ટ પાલનના દાવા), વગેરે કેસોનો નિકાલ કરવામાં આવશે.

  આ લોક અદાલતમાં અંદાજે ૧૮,૪૧૨ કેસો સુખદ સમાધાન માટે મુકવામાં આવ્યા છે. નેશનલ લોક અદાલતમાં કેસોનો નિકાલ થવાથી બંને પક્ષકારોના હિતમાં કેસના ફેસલા થશે. જેથી કોઈ પક્ષકાર પોતાનો કેસ લોક અદાલતમાં મુકવા માંગતા હોય તો તેઓએ અદાલતનો અથવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ,વડોદરાનો સંપર્ક કરવા સત્તા મંડળના સેક્રેટરીની યાદીમાં જણાવાયુ છે.

(8:48 pm IST)