Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

દહેગામમાં રખડતાં ઢોરને લીધે મહિલાના મોત બાદ ભારે આક્રોશ :અંતિમવિધિ નહિ કરવા સબંધીઓ મક્કમ

કલેક્ટર, મામલતદાર અને ચીફ ઓફિસર સામે પણ ગુનો નોંધવાની માગણી

ગાંધીનગર : રાજ્યમાં રખડતાં ઢોરને લીધે વધુ એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.દહેગામમાં રખડતાં ઢોરને લીધે એક મહિલાનું મોત નિપજ્યું હતું. બાદ આ મામલે બબાલ વધી છે. મૃતક મહિલાના સંબંધીઓ દ્વારા જવાબદારો સામે ગુનો નોંધવાની માગણી કરાઇ છે. કલેક્ટર, મામલતદાર અને ચીફ ઓફિસર સામે પણ ગુનો નોંધવાની માગણી સાથે મૃતદેહની અંતિમવિધિ નહીં કરવા સંબંધીઓ મક્કમ છે.

  દહેગામના નિવાસી મધુબેન સોનારા નામની મહિલાનું ગઇકાલે રાત્રે રખડતા ઢોરની અડફેટ બાદ રિક્ષાની ટક્કરથી મોત નિપજ્યા બાદ આજે મામલો ગરમાયો છે. મહિલાનો મૃતદેહ સિવિલમાં રાખવામાં આવ્યો છે અને અહીં હાજર સંબંધીઓ અને સમાજના લોકો એક જ માગણી કરી રહ્યા છે કે, આ કેસમાં જવાબદારી અધિકારી એવા કલેક્ટર, મામલતદાર અને ચીફ ઓફિસર સામે પણ ગુનો દાખલ કરવામાં આવે. રખડતા ઢોરના મામલે આ અધિકારીઓ પણ એટલા જ જવાદાર છે.

  પોલીસે રખડતા ઢોરના માલિકની પણ અટકાયત કરી છે અને ગુનો દાખલ કરવા તૈયાર છે. જ્યારે મૃતક મહિલાના સંબંધીઓ અધિકારીઓ સામે ગુનો દાખલ કરવાની માગણી કરી રહ્યા છે. આ મામલે બપોર સુધીનું અલ્ટિમેટમ આપ્યું હતું. સ્થાનિક પોલીસ દ્વારા સમાધાનના પ્રયાસ થઇ રહ્યા છે, પણ પરિવાર મક્કમ છે. ઉલ્લેખનીય છે કે, દહેગામમાં રખડતા ઢોરનો પ્રશ્ન છેલ્લા કેટલાય સમયથી ગંભીર બન્યો છે. અગાઉ હાઈકોર્ટે પણ રખડતા ઢોરને લઈ મહાપાલિકાઓથી લઈ પાલિકાઓને ફટકાર લગાવી હતી અને રખડતા ઢોરના કારણે કોઈનું મોત થાય એ ચલાવી લેવાય નહીં તેવું કહ્યું હતું. નોંધનીય છે કે, દહેગામમાં રખડતા ઢોરને લઈને લોકો ત્રાહીમામ પોકારી ઊઠ્યા છે. છાશવારે નિર્દોષ લોકો મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે અને અનેક લોકો ઈજાનો ભોગ બની રહ્યા છે.

(8:44 pm IST)