Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

સુરતમાં પરિવારને જાણ કર્યા વગર 15 વર્ષીય યશ બાઇક લઇ નિકળતા બસની ઠોકરે ચડતા સ્‍થળ પર જ કમકમાટી ભર્યુ મોત

ધો.9માં અભ્‍યાસ કરતો યશ બાઇક ચલાવતા શીખી રહ્યો હતો

સુરતઃ માતા-પિતા માટે ચેતવા જેવો કિસ્‍સો સુરતમાં બન્‍યો છે. 9મા ધોરણમાં ભણતો 15 વર્ષીય યશ પરિવારને જાણ કર્યા વગર બાઇક ચલાવતા બસની ઠોકરે સ્‍થળ પર જ મોતને ભેટયો હતો.

સુરતના પુણાગામ વિસ્તારમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. આ સમાચાર દરેક માતાપિતા માટે પણ ચેતવણી સમાન છે. નાની ઉંમરમાં બાળકોને સ્કૂટર કે બાઇક ચલાવવા આપી દેવી કેટલી ભારે પડી શકે તેવી ઘટના બની છે. સુરતના પુણા વિસ્તારમાં 9માં ધોરણમાં અભ્યાસ કરતા 15 વર્ષીય બાળક પિતાની બાઇક લઈને બહાર નિકળ્યો હતો. આ બાળક એક લક્ઝરી બસ સાથે અડફેટે આવતા તેનું કમકમાટીભર્યું મોત થયું છે. બાઇક ચલાવવાના શોખને કારણે આ બાળકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

બાળકોને વાહન આપતા પહેલા માતા-પિતાએ ધ્યાન રાખવું જરૂરી

પ્રાપ્ત વિગત અનુસાર સુરતના પુણાગામ વિસ્તારમાં એક 15 વર્ષનો છોકરો બાઇક લઈને રસ્તા પર નિકળી પડે છે. યુવાનીના જોશમાં આ યુવક ભરચક ટ્રાફિકમાં રફતારની મજા આ બાળકને ભારે પડી જાય છે. તે ધડાકાભેર બસ સાથે અથડાઈ છે અને તેનું ઘટનાસ્થળે મોત થઈ જાય છે. આ ટક્કર એટલી ખતરનાક હતી કે બાળકનું મગજ પણ બહાર દેખાવા લાગે છે. આ બાળકનું નામ યશ છે અને તે નચિકેતા સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતો હતો. તે હજુ બાઇક શીખી રહ્યો હતો અને તેને લઈને આંટો મારવા નિકળી પડે છે.

સુરતના પુણા ગામની ચામુંડાનગર સોસાયટીમાં રહેતા મનીષભાઈ ટાંક એમ્બ્રોડરીના કારખાનામાં નોકરી કરે છે. તે મૂળ ગીર સોમનાથના ઉના તાલુકાના વતની છે. મનીષ ભાઈએ સેકેન્ડ હેન્ડ બાઈક ખરીદી હતી. ત્યારે આ બાળક પિતાને જાણ કર્યા વગર બાઇક ચાલુ કરીને નીકળી પડ્યો હતો. ત્યારે રસ્તામાં અકસ્માત સર્જાતા તેનું મોત થયું છે. આ બાળક રેશ્મા સર્કલ તરફ જતા ફ્લાય ઓવર બ્રિજ પાસેથી પસાર થયો હતો ત્યારે લક્ઝરી બસની અડફેટે આવી ગયો હતો. બાળક બસમાં કચડાઈ ગયો હતો. ત્યારબાદ તેનું સ્થળ પર મોત થયું હતું. આ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.

પોલીસે શરૂ કરી તપાસ

આ અકસ્માતની જાણકારી મળતા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. એસીપી પીકે પટેલે કહ્યુ કે બાળકની ઉંમર માત્ર 15 વર્ષની હતી. તે પરિવારને જાણ કર્યા વગર નિકળી ગયો હતો. ત્યારબાદ રસ્તામાં આ અકસ્માત થતાં બાળકનું મોત થયું છે. આ અકસ્માત બાદ બસનો ટ્રાઇવર ભાગી ગયો હતો. પોલીસે સીસીટીવીની મદદથી આ ડ્રાઇવરને શોધવા માટે તપાસ શરૂ કરી છે. પોલીસે હાલ તો અકસ્માતનો ગુનો નોંધીને સમગ્ર તપાસ શરૂ કરી છે.

(5:09 pm IST)