Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

બજેટમાં ગુજરાતમાં રેલ્વે માટે 8332 કરોડ રૂપિયાની જોગવાઇ: 33 સ્ટેશનો પર વન સ્ટેશન-વન પ્રોડક્ટ યોજના: અશ્વિની વૈષ્ણવ

મહેસાણા-અંબાજી રેલવે લાઇન પ્રોજેક્ટનો સમાવેશ: વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની જેમ વંદે મેટ્રો ટ્રેન ચલાવવાની યોજના: બે શહેરો વચ્ચે શટલની જેમ ટ્રેન દોડશે

અમદાવાદ :રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યુ કે વડાપ્રધાન મોદીએ કેન્દ્રીય બજેટમાં તેમના ગૃહ રાજ્ય ગુજરાતમાં રેલ્વે માટે 8332 કરોડની જોગવાઇ કરી છે. જે 2009 કરતા 14 ગણી વધારે છે. અશ્વિની વૈષ્ણવે કહ્યુ કે ગુજરાતમાં 36437 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે

 વર્ષોથી પેન્ડિંગ મહેસાણા-અંબાજી રેલવે લાઇન પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. ભારતીય રેલ્વે તેમજ ગુજરાત માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે. જેની પર કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. જિયો ટેક્નિકલ તપાસ, ડિજિટ ટુ પ્લાનિંગ, પેનલ પ્લાનિંગ, સ્ટેશન ડિઝાઈન વગેરે પર કામ ઝડપથી થઈ રહ્યું છે. મીટરગેજમાંથી બ્રોડગેજમાં પરિવર્તન માટે મોટી રકમની જોગવાઇ આ બજેટમાં કરવામાં આવી છે. સામાન્ય નાગરિકોને મુશ્કેલીમાંથી મુક્ત કરવા માટે અંડરપાસ પણ બનાવવામાં આવશે.

 

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે પીએમ મોદીની ભાવના મુજબ સ્ટેશન શહેરના બંને ભાગોને જોડશે. જેમાં સંબંધિત શહેરના હેરિટેજને ધ્યાનમાં રાખીને પીવાનું પાણી, વેઇટિંગ રૂમ સહિતની વિશ્વસ્તરીય સુવિધાઓ હશે.

 

રેલ્વે મંત્રીએ કહ્યુ કે ગુજરાતમાં 33 સ્ટેશનો પર વન સ્ટેશન-વન પ્રોડક્ટ યોજના શરૂ કરવામાં આવી છે જેમાંથી કેટલાક સ્ટેશનો પર પ્રોડક્ટ વેચીને મહિને 60 હજારથી 1 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકાશે. દેશભરમાં આવા 750 સ્ટેશનોની સંખ્યા વધારીને આ વર્ષે 1500 સુધી કરવાનો પ્રસ્તાવ છે.

રેલ્વે મંત્રીએ કહ્યુ કે દેશમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની જેમ વંદે મેટ્રો ટ્રેન ચલાવવાની યોજના છે. વૈષ્ણવે કહ્યુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક નવો કૉન્સેપ્ટ આપ્યો છે, જેના અનુસાર આસપાસના બે શહેરો વચ્ચે શટલની જેમ ટ્રેન દોડશે. દાખલા તરીકે અમદાવાદથી વડોદરા 100 કિલોમીટર દૂર છે, તેમના વચ્ચે શટલની જેમ ટ્રેન દોડશે. યૂરોપમાં 50થી 90 કિલોમીટરના ઓછા અંતર ધરાવતા બે શહેરો વચ્ચે રીઝનલ ટ્રેન ચાલે છે.

 

રેલ્વે મંત્રીએ કહ્યુ કે આ વર્ષે વંદે મેટ્રો ટ્રેનની ડિઝાઇન બનશે. કોઇ પણ ટ્રેનના પ્રોજેક્ટને લેવામાં અથવા શરૂ કરવામાં 4-5 વર્ષનો સમય લાગે છે. આ વર્ષે કૉન્સેપ્ટ તૈયાર કરીને પ્રોટોટાઇમ બનાવવામાં આવશે, પ્રથમ ટ્રેન બનશે. તે બાદ વર્ષની અંદર કોઇને કોઇ એક સર્કિટ પર ચલાવવામાં આવશે. ટેસ્ટિંગના પરિણામના આધાર પર ઇમ્પ્રૂવમેન્ટ કરીને દેશના ખુણે ખુણામાં ટ્રેન ચલાવવામાં આવશે.

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યુ કે અત્યારે દેશ અને રાજ્યની વાત નથી કરી રહ્યા, અત્યારે નવી ડિઝાઇનની વાત કરી રહ્યા છીએ. આટલી કૉમ્પલેક્સ મશીન દેશમાં ડિઝાઇન કરવામાં આવશે. એવુ નથી કે બહારથી ઉઠાવીને લાવો, પીએમનું હંમેશા આ જ કહેવુ છે કે પોતાના દેશમાં ડિઝાઇન બનવી જોઇએ.

 

(11:08 pm IST)