Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

અમદાવાદમાં નવ ફેબ્રુઆરીએ ગ્રીન મેરેથોનનું આયોજન થયું

રિવરફ્રન્ટમા ગ્રીન મેરેથોનમાં મોંગિયા પહોંચશે : ગ્રીન મેરેથોનમાં ૬૫૦૦થી વધુ લોકો ભાગ લે તેવી વકી

અમદાવાદ, તા.૭ :  અમદાવાદ શહેરમાં તા.૯મી ફેબ્રુઆરીના રોજ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે એસીબીઆઇ દ્વારા ગ્રીન મેરેથોનની તેની ત્રીજી એડિશન યોજવા જઇ રહ્યું છે. જેમાં આશરે ૬૫૦૦થી વધુ લોકો ભાગ લેશે. નોંધનીય વાત એ છે કે, આ પ્રેરણારૂપ ઇવેન્ટમાં શુભેચ્છા પાઠવવાના ભાગરૂપે ભારતીય ટીમના પૂર્વ વિકેટકિપર નયન મોંગીયા ખાસ પધારશે. ગ્લોબલ વોર્મીંગ અને પર્યાવરણ સામે વધી રહેલા ખતરાને જોતાં સમાજમાં પર્યાવરણ જાળવણી અને આપણી ભાવિ પેઢીના સુખાકાર યુક્ત જીવન માટેની ઉજવણી માટે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા એસબીઆઇ ગ્રીન મેરેથોનનની ૩જી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે. બેન્કની એન્યુઅલ ફ્લેગશીપ ઇવેન્ટ અમદાવાદ ખાતે તા. ૯ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ યોજાશે. જેમાં બેન્ક દ્વારા સવારે પાંચ વાગ્યાથી સાબરમતી રિવર ફ્રન્ટ ખાતે ૫ કિમી, ૧૦ કિમી, ૨૧ કિમી રનનું આયોજન કરવામાં આવ્યું છે.

             એસબીઆઇ ગ્રીન મેરેથોનની ૧૫ સીટીમાં યોજાઇ રહેલી ૩જી આવૃત્તિમાં ભોપાલ, પટના, જયપુર, કોલકાતા, ચંદીગઢ, મુંબઇ અને નવી દિલ્હી ઉપરાંત લખનૌ, ગુવાહાટી, થિરુવન્થપુરમ, બેન્ગલોર, ભુવનેશ્વર, હૈદરાબાદ અને ચેન્નાઇનો પણ સમાવેશ થાય છે. એસબીઆઇ જનરલ ઇન્સ્યોરન્સ એ એસબીઆઇ ગ્રીન મેરેથોનની હેલ્થ પાર્ટનર છે. જેમાં એસબીઆઇ લાઇફ અને એસબીઆઇ મ્યુચ્યુઅલ ફંડ્સ પણ આ ઝીરો વેસ્ટ ઇવેન્ટમાં નોંધપાત્ર ફાળો આપી રહ્યા છે. તા.૯મી ફેબ્રુઆરીની ગ્રીન મેરેથોન ઇવેન્ટમાં આશરે ૬૫૦૦થી વધુ લોકો ઉત્સાહભરે ભાગ લેશે. આ પ્રસંગે ભારતીય ટીમના પૂર્વ વિકેટકિપર નયન મોંગીયા સ્પર્ધકોને શુભેચ્છા પાઠવવા માટે ખાસ હાજરી આપનાર છે.

(9:48 pm IST)