Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

એરક્રાફ્ટ સેવાનું બજાર કદ ૬.૫ અબજ સુધી પહોંચશે

એરબસ દ્વારા એરક્રાફ્ટ સેવા માટે સાથે કરાર : એરબસ ઈન્ડિયા-અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ દ્વારા ડિફએક્સપો ૨૦૨૦માં સમજૂતી કરાર પર સહીસિક્કા

અમદાવાદ, તા. ૭ :    એરબસ ઈન્ડિયા અને અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ દ્વારા એરોસ્પેસ અને સિવિલ એવિયેશન સેક્ટરમાં એકબીજાની ખૂબીઓનો લાભ લેવા માટે ડિફએક્સપો ૨૦૨૦ ખાતે સમજૂતી કરાર પર સહીસિક્કા કરવામાં આવ્યા હતા. આ સમજૂતી કરાર પર એરબસ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ અને એમડી આનંદ સ્ટેન્લી અને અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસના હેડ આશિષ રાજવંશી દ્વારા સહીસિક્કા કરવામાં આવ્યા હતા. એરબસ અને અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ ભારતીય અને દક્ષિણ એશિયન બજારો માટે એરક્રાફ્ટ સેવાઓના ક્ષેત્રમાં જોડાણ માટે તકોની ખોજ કરશે. એરબસની વૈશ્વિક સેવાઓ ૨૦૨૫ સુધી ભારતીય એરક્રાફ્ટ સેવાઓની બજાર ૬.૩ અબજ ડોલર સુધી વધશે તેવો અંદાજ સેવાઇ રહ્યો છે. એરબસ દુનિયામાં અગ્રણી સિવિલ એવિયેશન કંપની હોવા સાથે મુખ્ય ઈનોવેટર અને એરક્રાફ્ટ સેવાઓની પ્રદાતા પણ છે. આ સમજૂતી કરાર એરોસ્પેસ પ્રોડક્ટો માટે વિશ્વ કક્ષાની સેવાઓના કેન્દ્ર તરીકે ભારતના વિકાસમાં ટેકો આપવાની અમારી કટિબધ્ધતા દર્શાવે છે, એમ આનંદ સ્ટેન્લીએ જણાવ્યું હતું.

                તેમણે ઉમેર્યું કે, અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસે ભારતમાં વ્યાપક એરોસ્પેસ અને ડિફેન્સ ઈકોસિસ્ટમ સ્થાપિત કરી છે. અદાણીએ હાલમાં જ એરપોર્ટસમાં પ્રવેશ કર્યો હોવાથી આ સંભાવ્ય જોડાણ એરબસની પ્રોડક્ટો અને સેવાઓની ઉત્કૃષ્ટતા અને અદાણીની ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એન્જિનિયરિંગ અને મેગા પ્રોજેક્ટ અમલ બજાવણીની ક્ષમતાઓ એમ એકબીજાને ખૂબીઓનો લાભ લેશે. ભારત એરક્રાફ્ટ સેવાઓની બજારમાં પરિવર્તનકારી વૃદ્ધિની રાહ પર છે. એરબસ સાથે આવા સમયે અમારું જોડાણ રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાના અને મહત્ત્વપૂર્ણ ટેકનોલોજીઓ અને સેવાઓનું દેશીકરણ કરીને ભારતમાં એરોસ્પેસ ક્ષમતાઓમાં વાઈબ્રન્ટ ઈકોસીસ્ટમ નિર્માણ કરવાના અમારા ધ્યેય સાથે સુમેળ સાધે છે.

(9:46 pm IST)