Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

આદિવાસી તેમના હક્કો માટે તીરકામઠા લઇ આગળ આવે

કોંગ્રેસના ધારાસભ્ય મંગળભાઇ ગાવીતનો વીડિયો વાયરલ : આંદોલનથી આદિવાસીઓની માંગણીઓને નહીં સ્વીકારે

અમદાવાદ,તા. ૭ : સાચા આદિવાસી અધિકાર બચાવ સમિતિ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી ગાંધીનગરમાં બિનઆદિવાસીઓને અપાયેલા જાતિના પ્રમાણપત્રના વિરોધમાં ચાલી રહેણાં ધરણાં-આંદોલનના કાર્યક્રમમાં ડાંગ જિલ્લાના કોંગ્રેસના ધારાસભ્ય મંગળભાઇ ગાવીતે આદિવાસીઓને એકસંપ થઇ આગળ આવવા જોરદાર હાકલ કરી હતી અને એક તબક્કે આદિવાસીઓના પોતાના હક્ક અને ન્યાય માટે તીરકામઠાં લઇ આગળ આવવા અપીલ કરતો વીડિયો વાયરલ થતાં સ્થાનિક કક્ષાએ ભારે રાજકારણ ગરમાયું હતું. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ગુજરાતમાં બિનઆદિવાસીઓને ખોટા જાતિના પ્રમાણપત્રો આપવાના મામલે રાજયના આદિવાસી સમાજમાં છેલ્લા ઘણાય સમયથી ઉગ્ર આક્રોશની લાગણી ભભૂકી ઉઠી છે.

       કારણ કે, આ ખોટા જાતિના પ્રમાણપત્રોના આધારે બિનઆદિવાસી લોકોએ વિવિધ સરકારી વિભાગોમાં તેમના હક્કની નોકરી મેળવી લીધી હોવાની વાત સામે આવતાં હવે આદિવાસી સમાજ દ્વારા સરકાર સામે લડતના મંડાણ કરવામાં આવ્યા છે. આદિવાસીઓના હક્કો અને અધિકારને લઇ સાચા આદિવાસી અધિકાર બચાવ સમિતિ દ્વારા ગાંધીનગર ખાતે ચાલી રહેલા ધરણાં-આંદોલનમાં આજે ડાંગ જિલ્લાના કોંગ્રેસના ધારાસભ્ય મંગળભાઇ ગાવીત ખાસ હાજર રહ્યા હતા અને તેમણે ભાજપ સરકાર પર ઉગ્ર આક્રોશ ઠાલવતાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજયમાં આબુથી ઉમરગામ-ડાંગ સુધીનો આદિવાસી પટ્ટો છે, જે આદિવાસી પટ્ટાના લાખો આદિવાસીઓ માત્રને માત્ર કહેવા પૂરતા આદિવાસીઓ નથી, જે મૂળ આદિવાસીઓ છે. આદિકાળથી આદિમાનવમાંથી આદિવાસી બન્યા છે, એમના પ્રમાણપત્રોની ચકાસણી સરકાર શા માટે કરી રહી છે, જેમાં હાલની સરકાર દ્વારા ચારણ, ભરવાડોને ખોટા જાતિના પ્રમાણપત્રો આપ્યા છે,

       તેઓની સરકાર કેમ તપાસ કરતી નથી. ભાજપ શાસનમાં આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓની ઉપેક્ષા કરી ઉજળિયાતોને નોકરી આપવામાં આવે છે ત્યારે શું આદિવાસી શિક્ષિતો નોકરીને લાયક નથી તેવો ગંભીર સવાલ પણ તેમણે ઉઠાવ્યો હતો. તેમણે ઉમેર્યું કે, ભાજપ સરકાર કહે છે, અમે આદિવાસીઓના હિત માટે અંબાજીથી ઉમરગામ-વાંસદા-ડાંગ સુધી આદિવાસી યાત્રા કાઢી આદિવાસીઓનો ઉત્કર્ષ કર્યો છે પરંતુ ઉનાઇ માતાના દર્શન કરી આ યાત્રાની શરૂઆત કરવામાં આવી ત્યારે મોટા બનેરો લગાડવામાં આવ્યા હતા. જે બેનરોમાં એકપણ આદિવાસીનો ફોટો ન હતો. તો શું આને આદિવાસી યાત્રા કહેવાય..સત્યાગ્રહ કે આંદોલનથી આ સરકાર આદિવાસીઓની માંગણીઓના હક્ક આપવાની નથી. જેથી આદિવાસી ભાઇઓ અને બહેનોને પોતાના હક્કો માટેની લડતમાં જીત મેળવવી હોય તો આદિવાસીઓનું શસ્ત્ર એવું તીરકામઠાં લઇને નીકળી પડવાનો હુંકાર તેમણે કર્યો હતો અને આ અંગેનો વીડિયો પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો, જેને લઇ આદિવાસીઓના મુદ્દે પણ ગાંધીનગરનું રાજકારણ ગરમાયું છે.

(8:39 pm IST)