Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

ગુજરાતના અમદાવાદ, નડીયાદ અને વડોદરા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ

અમદાવાદઃ થોડા સમય પહેલા જ અમદાવાદ પોલીસ કમિશનરે શહેરમાં આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરી લોકોને સાવચેત રહેવા સૂચના આપી હતી, હવે રાજ્યની ત્રણ જાણીતી કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો નનામી પત્ર મળતા ખળભળાટ મચ્યો છે. અમદાવાદ, નડિયાદ અને વડોદરા કોર્ટને ઉડાવી દેવાની ધમકી બાદ વડોદરા કોર્ટમાં ગુરૂવારે રાત્રે ચેકિંગ કરાયું હતું. પીસીબી, એસઓજી, અને ક્રાઇમ બ્રાંચની ટીમે કોર્ટ પરિસરમાં તપાસ કરી હતી. પરંતુ કોઇ પણ શંકાસ્પદ વસ્તુ મળ્યું ન હતું. જોકે પોલીસ દ્વારા કોર્ટમાં એલર્ટ રહેવા માટે જણાવાયુ હતું.  બોમ્બથી ઉડાવી ધમકીમાં વડોદરાના દિવાળીપુરા ખાતે આવેલી એશિયાની સૌથી મોટી ડિસ્ટ્રીક્ટ કોર્ટનો પણ સમાવેશ થાય છે. કોઈ અજાણ્યા શખ્સે પોલીસ કંટ્રોલ રૂમમાં પત્ર લખીને કોર્ટેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. ધમકીભર્યો પત્ર મળતાં જ પોલીસબેડામાં દોડધામ મચી ગઈ હતી. વડોદરામાં 130 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી કોર્ટ એશિયાની સૌથી મોટી ડિસ્ટ્રીક્ટ કોર્ટ છે. અજાણ્યા શખ્સે હિન્દી ભાષામાં આ ધમકીભર્યો પત્ર લખ્યો હતો. ધમકીભર્યો પત્ર મળતાં જ પોલીસબેડામાં દોડધામ મચી છે.

(5:13 pm IST)