Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

અમદાવાદના સેટેલાઇટમાં વેપારી સાથે ૧૧ કરોડની ઇ-ચીટીંગ મામલે દિલ્‍હીના ભેજાભાજ પિતા-પુત્રની ધરપકડઃ અન્ય આરોપીઓની શોધખોળ

અમદાવાદ: શહેરના સેટેલાઈટમાં રહેતા વેપારી સાથે 11 કરોડના ઈ-ચીટીંગ મામલે અમદાવાદ શહેર સાયબર સેલ દ્વારા દિલ્હીના ભેજાબાજ પિતા પુત્રને ઝડપી પાડી અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. સામાન્ય કરીયાણાની દુકાન ધરાવતા પિતા અને કોલ સેન્ટરમાં કામ કરી ચૂકેલા પુત્ર સહિત ઠગ ટોળકીએ કોની મદદથી આ મસમોટુ કૌભાંડ આચર્યું અને તેમાં HDFC બેન્કના અધિકારીઓ સામેલ છે કે કેમ તે અંગે સાયબર સેલ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

અમદાવાદના સેટેલાઈટમાં રહેતા અને કાલુપુરના મસ્કતી માર્કેટમાં કાપડના વ્યવસાય સાથે સંકળાયેલ પ્રતાપભાઈ વતાંનીએ વર્ષ 2016માં તેઓની પૌત્રીના નામે એચડીએફસી લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીમાંથી બે વીમા પોલીસ લીધી હતી. ત્યારબાદ તેઓનો એક અજાણ્યા ઇસમે ફોન દ્વારા સંપર્ક કરી ૧૮ થી ૨૪ ટકા જેટલું ઊંચું વળતર આપવાની લાલચ આપી અલગ-અલગ સ્કીમોમાં રોકાણ કરાવી ૧૧ કરોડ 6 લાખ ૭૧ હજાર ૮૨૪ રૂપિયા જેટલું ચીટિંગ કર્યું હતું. કદાચ દેશના ઇતિહાસનું આ સૌથી મોટું ચીટીંગ હોવાથી અમદાવાદ સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગુનો નોંધી તેની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી હતી.

પ્રતાપ અવતાણીએ કુલ ૯૬ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. અમદાવાદ સાયબર સેલ દ્વારા આ તમામ લોકોના મોબાઈલ નંબરો તથા પ્રતાપ આવતાની દ્વારા જે જે અલગ-અલગ બેન્ક એકાઉન્ટમાં રકમ જમા કરાવી હતી, તે બેંકોના સ્ટેટમેન્ટ તથા રેકોર્ડ ને આધારે તપાસ આગળ વધારી હતી. સાયબર સેલનું પગેરૂ દિલ્હી સુધી પહોંચ્યું હતું. સાયબર ક્રાઇમની ટીમે દિલ્હીના ભજનપુરામાં રહેતા સૌરભ ગીરી તથા તેના પિતા બ્રિજેશ ગિરીને ઝડપી પાડી બંનેની પૂછપરછ હાથ ધરી છે. આ કૌભાંડ સાથે કેટલા સમયથી સંકળાયેલા છે તે અંગે બનને ની વધુ પૂછપરછ  શરૂ કરી છે.

(5:08 pm IST)