Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

નર્મદામાં દિવા તળે અંધારું જેવી સ્થિતિ : આરોગ્ય બાબતે કથળેલી સેવા, રાજકીય નેતાગીરી પાંગળી પુરવાર

સ્ટાફના અભાવે માતા અને બાળ મૃત્યુ પ્રમાણ વધ્યું હોય સ્ટાફની ઘટ પૂરવા સરપંચ પરિષદનું આવેદન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લો અતિ અંતરિયાળ અને પછાત આદિવાસી જિલ્લો છે અહીંયા અંતરિયાળ ગામડાઓમાં હજી પણ કનેક્ટિવિટી, શિક્ષણ, અને સારી આરોગ્ય સુવિધાઓથી વંચિત છે, નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ વિશ્વ ભરમાં નર્મદા જિલ્લાનું નામ અંકિત થયું છે અને હાલમા જ સ્ટેચ્યુ ઓફ યુનિટીને વિશ્વની આઠમી અજાયબીમાં સ્થાન પ્રાપ્ત થયું છે પરંતુ આરોગ્ય બાબતે આ જિલ્લામાં દિવા તળે અંધારા જેવી સ્થિતિ ઉભી થઇ છે.જેમાં રાજકીય નેતાઓ ફક્ત પ્રસિદ્ધિ માજ રસ હોય તેમ લાગી રહ્યું છે.

  કરોડો રૂપિયાના ખર્ચા બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યા બાદ હાલ કેવડિયા આસપાસના વિસ્તારોમાં વિવિધ આકર્ષણો ઉભા થઇ રહ્યા છે અને કેવડિયાની આસપાસ નો વિસ્તારનો ઝડપી વિકાસ થઈ રહ્યો છે તો બીજી તરફ નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામોમાં હજુપણ લોકોને આરોગ્ય સહિતની પાયાની સુવિધાઓ મળતી નથી.

  જે બાબતે ભજપના જ હોદ્દેદાર અને સરપંચ પરિષદ ગુજરાતના નર્મદા ઝોન સમિતિના મહામંત્રી નિરંજનભાઈ વસાવાની આગેવાનીમાં નર્મદા જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી રજુઆત કરાઈ હતી કે નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સબ કેન્દ્રમાં કર્મચારીઓની ઘટ પૂરવામાં આવે અને છુટા કરાયેલ કર્મચારીઓને પુનઃ નોકરી આપવામાં આવે ઉપરાંત આક્ષેપ પણ લગાવ્યો છે કે આરોગ્ય કેન્દ્રોમાં કામ કરતા ફિલ્ડ વર્કરો તેમજ મહેકમ ઉપર કામ કરતા વર્કરો ને એક કરતાં વધારે સેન્ટરોનું કામ આપવામાં આવે છે જેથી મુશ્કેલીઓ ઉભી થાય છે સાથે આરોગ્ય વિભાગમાં સ્ટાફના અભાવે માતા અને બાળ મૃત્યુનું પ્રમાણ વધ્યું છે તેમજ નામદાર હાઇકોર્ટે મહેકમ ઉપર કામ કરતા કર્મચારીઓની તરફેણ માં નિર્ણય આપ્યો છે અને તેઓ 10 - 10 વર્ષ નો ફિલ્ડનો અનુભવ ધરાવે છે તો તેમનો આ અનુભવ એડે ન જાય તેથી તેવા કર્મચારીઓને અગ્રીમતા આપી નોકરીમાં રાખવામાં આવે જેથી લોકોને આરોગ્ય લક્ષી સેવા મળી રહે .

(4:16 pm IST)