Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

રાજકોટ ઝોન-૮ સહિત ૮ સબરજીસ્ટ્રાર કચેરીમાં રજી માર્ચથી દસ્તાવેજ નોંધાવા માટે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ ફરજીયાત

પાઇલોટ પ્રોજેકટ તરીકે ૮ કચેરીઓમાં પ્રારંભિક અમલ : રજીસ્ટ્રાર કચેરીમાં ઘસારો ઘટશે : મહેસુલ મંત્રી કૌશિક પટેલની જાહેરાત : રાજકોટ તાલુકાના મોટા ભાગના ગામડાં ઝોન -૮માં આવે છે

ગાંધીનગર, તા. ૭ : મહેસૂલ મંત્રીશ્રી કૌશિક પટેલે જણાવ્યું કે, મહેસૂલી સેવાઓને સરળ, ઝડપી અને ઓનલાઈન કરવાની કવાયતને આગળ ધપાવતાં ખૂબજ ટુંકા ગાળામાં ૨૧ જેટલી વિવિધ મહેસૂલી સેવાઓને ઓનલાઈન કરવામાં આવી છે. જે પૈકી, ૧૯ જેટલી સેવાઓનું ફેસલેસ પધ્ધતિથી અમલીકરણ થઈ રહ્યું છે. જેનો લાભ નાગરીકો મેળવી રહ્યાં છે. આવી જ વધુ બે મહેસૂલી સેવાઓ માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ ઙ્ગરૂપાણીના નેતૃત્વ હેઠળની રાજય સરકારે પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે.

રાજય સરકાર દ્વારા દસ્તાવેજ રજીસ્ટ્રેશન માટે જરૂરી એપોઈન્ટમેન્ટ મેળવવાની પધ્ધતિને પણ ઓનલાઈન કરવા લેવામાં આવેલ નિર્ણય વિશે માહિતી આપતા શ્રી પટેલે ઉમેર્યું કે, હાલમાં પક્ષકારોએ પોતાના દસ્તાવેજની નોંધણી કરાવવા માટે સબરજીસ્ટ્રાર કચેરીમાં રૂબરૂ આવી સંપુર્ણ વિગતો સાથેનો દસ્તાવેજ રજુ કરવાનો રહે છે, જે ધ્યાને લઇ તેઓને ટોકન નંબર આપવામાં આવે છે. જેમાં પક્ષકારે પોતાનો ક્રમ આવવા સુધી પ્રતિક્ષા કરવાની રહે છે. રાજય સરકારે તાજેતરમાં ઓનલાઇન ટોકન પ્રથા પણ અમલમાં મુકી છે. જે અંતર્ગત પક્ષકારો પોતાના દસ્તાવેજ નોંધણી માટે મહેસૂલ વિભાગની ગરવી વેબસાઇટ મારફતે જરૂરી સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીનું ઓનલાઇન ચુકવણું કર્યા બાદ પોતાના દસ્તાવેજની નોંધણી માટે તારીખ અને સમય ઓનલાઇન મેળવી શકે છે. જેમાં પક્ષકારોએ મેળવેલ સમયે દસ્તાવેજ સાથે કચેરીમાં હાજર થવાનું રહે છે. આમ, દસ્તાવેજની નોંધણી માટે હાલમાં ઓફલાઈન અને ઓનલાઈન બંને પ્રક્રિયા રાજયમાં કાર્યરત છે.

મહેસૂલ મંત્રીશ્રી પટેલે રાજય સરકારે લીધેલ આ નિર્ણય અંગે વધુ માહિતી આપતાં કહ્યું કે, ઓનલાઈન એપોઈન્ટમેન્ટ શિડ્યુલરનો અમલ પાઈલોટ પ્રોજેકટ તરીકે રાજયની ૮ (આઠ) સબરજીસ્ટ્રાર કચેરીઓ, અમદાવાદ-૩ (મેમનગર), દહેગામ, વડોદરા-૨ (દંતેશ્વર), નડીયાદ, સુરત-૬ (કુંભરીયા), નવસારી, રાજકોટ-૮ (ગ્રામ્ય ખેતી) તથા જુનાગઢ-૧ (ટીંબાવાડી) ખાતે ફરજીયાતપણે તા.૦૨/૦૩/૨૦૨૦ થી અમલમાં આવશે. આ પધ્ધતિ અમલમાં આવવાથી કોઇ પણ પક્ષકાર પોતાના દસ્તાવેજની નોંધણી માટે મહેસૂલ વિભાગની શ્નગરવીલૃવેબસાઇટ પર ઓનલાઈન એપોઈન્ટમેન્ટ શિડ્યુલર મેનુ મારફતે તેઓનો જીલ્લો, સબરજીસ્ટ્રાર કચેરી, અવેજની રકમ, નામ, સરનામું, મોબાઇલ નંબર, ઇ-મેઇલ આઇ.ડી. તથા દસ્તાવેજના પ્રથમ પાનાનો ફોટો જેવી વિગતો ભરી દસ્તાવેજ નોંધણી માટે પોતાની અનુકુળતા મુજબનો સમય મેળવી શકશે.

તેમણે ઉમેર્યું કે, આ પાઈલોટ પ્રોજેકટના અમલ દરમ્યાન, પક્ષકારને ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લેવા માટે સહાયની જરૂર જણાશે તો સંબંધિત કચેરીના કર્મચારી દ્વારા મદદ કરવામાં આવશે. આ સેવાને વધુ અસરકારક અને લોકભોગ્ય બનાવવા માટે પ્રજાજનો દ્વારા મળતાં સૂચનો ચકાસીને તેને રાજયવ્યાપી અમલ કરવાનો પણ નિર્ણય રાજય સરકાર દ્વારા કરવામાં આવશે.

શ્રી પટેલે ઓનલાઈન એપોઈન્ટમેન્ટ શિડ્યુલરના લાભ વિષે માહિતી આપતાં જણાવ્યું કે, રાજયના નાગરિકો પોતાની અનુકુળતા મુજબ દસ્તાવેજ નોંધણી માટે તારીખ અને સમય મેળવી શકશે. ઓનલાઈન ઙ્ગપધ્ધતિ અમલમાં આવવાથી ચોક્કસ સમયે જે-તે પક્ષકાર માટે આરક્ષિત થતાં પક્ષકારે સબરજીસ્ટ્રાર કચેરીમાં બીનજરૂરી બેસી રહેવું પડશે નહી. તેઓએ ઙ્ગમેળવેલ સમયે જ કચેરીમાં હાજર થવાનું રહેશે. જેને કારણે રાજયના નાગરિકોના સમયની બચત થશે.

(4:09 pm IST)