Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

અમદાવાદમાં ૧ પ્લોટનો રૂ.૨૧૩ કરોડમાં સોદો

નિરમા ગૃપે કરી ખરીદી

અમદાવાદ, તા.૭: ગુરુવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ૩ પ્લોટની ઈ-હરાજી કરી હતી. જોકે આ હરાજીનો મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. જેમાં નિરમા ગ્રુપે ત્રણમાંથી એક પ્લોટ કરોડો રૂપિયા આપીને ખરીદ્યો હતો. રાજપથ કલબની પાછળ આવેલા ૧૩,૭૪૬ સ્કવેર મીટરના આ પ્લોટ માટે AMCએ ૧.૫૯ લાખ પ્રતિ ચો.મીટરની બેસ પ્રાઈઝ રાખી હતી. સમગ્ર પ્લોટની કુલ કિંમત ૨૧૩ કરોડ રૂપિયા જેટલી થતી હતી. સૂત્રો મુજબ નિરમા ગ્રુપ હવે રિયલ એસ્ટેટ બિઝનેસમાં જંપ લાવી રહ્યું છે. આ પહેલા શહેરના આબંલીમાં ગ્રુપે રિયલ એસ્ટેટ પ્રોજેકટને સપોર્ટ કર્યો હતો.AMCના પ્લોટ માટેની ઈ-હરાજી ગુરુવારે ૧૧ વાગ્યે શરૂ થઈ ત્યારે ૮ બિલ્ડરો હતા. પરંતુ તેમાંથી ૭ બિલ્ડરોએ હરાજીમાં એકિટવ રહ્યા નહોતા. જયારે નિરમા ગ્રુપે બેસ રેટથી ૩૦૦ રૂપિયા પ્રતિ ચો.મીટર વધારે આપી ૨૧૩.૪૫ કરોડ રૂપિયામાં પ્લોટ ખરીદી લીધો હતો. એ બુધવારે પ્રેસ રિલીઝમાં દાવો કર્યો હતો કે ૫૬ લોકોએ આ ઈ-હરાજી માટે રસ દાખવ્યો છે.

આ ઉપરાંત શહેરના સિંધુ ભવન રોડ પર AMCનો ૧૩,૨૨૨ ચો.મીટરનો પ્લોટ અનસોલ્ડ રહ્યો હતો. અહીં પાછલા વર્ષે ૧.૭થી ૨.૫ લાખ સ્કવેર મીટરના ભાવે પાછલા વર્ષે કોમર્શિયલ પ્લોટ વેચાયા હતા, પરંતુ ઈ-હારજીમાં કોઈએ તેમાં રસ દાખવ્યો નહોતો. જયારે સોલા સાયન્સ સિટી રોડ પર આવેલો ૧૫,૩૫૧ ચો.મીટરનો AMCનો ત્રીજો પ્લોટ પણ વેચાયો નહોતો. આ પ્લોટની કિંમત ૧.૫૯ લાખ પ્રતિ ચો.મીટર રાખવામાં આવી હતી.

AMCના સીનિયર અધિકારીએ જણાવ્યું, આ ઈ-હરાજી પારદર્શક રીતે યોજાઈ હતી, અને કોઈ બિલ્ડર અન્ય ઓનલાઈન પાર્ટીને જાણતું નહોતું. બિલ્ડરો તરફથી AMCના પ્લોટની કિંમત વધુ ઓછી કરવા કોઈ પ્રેશર કરાય તેનો કોઈ સવાલ જ પેદા નથી થતો. કારણ કે ઈ-હરાજીમાં બધુ કામ ટ્રાન્સપરન્ટ પ્લેટફોર્મ પર થયું હતું. સૂત્રોએ દાવો કર્યો કે AMCના રેટ એવરેજ હતા અને જો માર્કેટમાં તેજી હોત તો પ્લોટની હજુ વધુ સારી કિંમત મળી શકી હોત.

AMCના અધિકારીએ જણાવ્યું કે, શહેરના ગોતા અને નિકોલમાં પણ AMCના બે પ્લોટની શુક્રવારે હરાજી થવાની છે, જેના માટે ૩૫ બિલ્ડરોએ રસ દાખવ્યો છે. આ પ્લોટ નાના છે અને અમને આશા છે કે તેમાં સારી કિંમત મળશે.

શહેરના એક રિયલ એસ્ટેટ ડેવલપરે કહ્યું, હાલમાં રજૂ થયેલા યુનિયન બજેટમાં રિયલ એસ્ટેટ સેકટર માટે કોઈ જાહેરાત કરાઈ નથી. રિયલ એસ્ટેટ સેકટર હાલ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. પરિણામે બિલ્ડરોએ હવે રિસ્ક લેવાનું ઓછું કર્યું છે.

(3:45 pm IST)