Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

છોટા ઉદેપુરમાં આદિવાસીનું સજ્જડ બંધ : મજબુત સુરક્ષા

વડોદરા-છોટાઉદેપુર ટ્રેન રોકી વિરોધ કરાયો : એલઆરડી ભરતીમાં આદિવાસીને અન્યાયને લઇને લડત હિંસક બને તેવા સંકેત : સરકાર પર દબાણ લાવવા પ્રયાસો

અમદાવાદ, તા.૭ :      લોકરક્ષક દળની ભરતીમાં રાઠવા સમાજના ઉમેદવારોને ઉચ્ચ મેરિટ હોવા છતાં પસંદગી નહી કરાતા છોટાઉદેપુર જિલ્લામાં સમસ્ત આદિવાસી રાઠવા સમાજ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેને પગલે આજે છોટાઉદેપુર જિલ્લાના રાઠવા સમાજની વસ્તી ધરાવતા તમામ વિસ્તારોમાં બંધની જબરદસ્ત અસર જોવા મળી હતી. બોડેલી પાસે વડોદરા-છોટાઉદેપુર ટ્રેનને રોકીને યુવાનો-મહિલાઓએ ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. આદિવાસીઓ મહિલાઓએ ભાજપ સરકારને આક્રોશભરી ચીમકી આપી હતી કે, જો સરકાર આદિવાસીઓને ન્યાય નહી આપે તો તેમની લડત હિંસક બની શકે છે, તેથી હવે સરકાર માટે આગામી સમય કટોકટીનો છે. છોટાઉદેપુર-પાવીજેતપુર રોડ ઉપર રાઠવા સમાજના લોકોએ આજે ઉગ્ર આંદોલન કર્યું હતું. આ સમયે છોટાઉદેપુર એસ.પી. એમ.એસ. ભાભોરની ગાડી રોકીને વિરોધ કર્યો હતો. એસ.પી. લોકોએ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

             પરંતુ રાઠવા સમાજના લોકો અને મહિલાઓએ સૂત્રોચ્ચારો કરીને વિરોધ કર્યો હતો. જેથી આદિવાસીઓનો આક્રોશ જોઇને એસ.પી.ને ખુદ પરત ફરવુ પડ્યું હતું. યુવાનોએ રસ્તાઓ ઉપર ટાયરો પણ સળગાવીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. જેને પગલે વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. તો સમગ્ર રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. જો કે, પોલીસે સ્થળ પર પહોંચીને વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. છોટાઉદેપુર જિલ્લામાં બંધને પગલે સાવચેતીના ભાગરૂપે બોડેલી અને છોટાઉદેપુર ડેપો દ્વારા બસની તમામ ટ્રીપો બંધ રાખવામાં આવી હતી. જેને પગલે અનેક મુસાફરો અટવાઇ ગયા હતા. આ ઉપરાંત છોટાઉદેપુર જિલ્લાની શાળાઓમાં ધો-૧૧ અને ૧૨ની પરીક્ષા પણ મોકૂફ રાખવામાં આવી હતી.

            છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી રાઠવા સમાજ દ્વારા પછાત જ્ઞાતિના દાખલાને લઇને છેલ્લા ઘણા સમયથી લડત ચલાવવામાં આવી રહી છે. લાંબા સમયથી રાઠવા જ્ઞાતિના આગેવાનોની માંગ છે કે, રાઠવાની આગળ કોળી શબ્દ રાખવામાં આવ્યો છે અને તે વહીવટી ભૂલના કારણે બન્યું છે. જેથી તે ભૂલ સુધારીને રાઠવા સમાજના યુવાનોને નોકરીથી વંચિત ન રાખવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. પરંતુ સરકાર તરફથી કોઇ ન્યાય નહીં મળતા હવે આદિવાસી રાઠવા સમાજે આંદોલનનું સ્વરૂપ ધારણ કર્યું છે અને છોટા ઉદેપુર જિલ્લામાં સજ્જડ બંધ પાળી આદિવાસીઓએ સરકારને ગર્ભિત ચીમકી આપી દીધી હતી.

 

(9:57 pm IST)