Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

વિભાવરીબેન દવે આફ્રિકામાં રોડ શો કરશેઃ 'સ્ટડી ઇન ગુજરાત' અભિયાન

ગુજરાત, પારૂલ, પી.ડી.પી.યુ,નિરમા, એમ.એસ., મારવાડી વગેરે યુનિવર્સિટીઓ, આઇ.આઇ.ટી રામ વગેરેના પ્રતિનિધિઓ જોડાશે

ગાંધીનગર,તા.૭: દુબઈ અને કુવૈતમાં 'સ્ટડી  ઇન ગુજરાત' રોડ શોને મળેલા ભવ્ય પ્રતિસાદ બાદ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગનું પ્રતિનિધિ મંડળ દ્વારા ૧૩ થી ૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૦ દરમિયાન આફ્રિકાના વિવિધ દેશો ખાતે રોડ શોનું આયોજન કરવામાં આવ્યુ છે. આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ શિક્ષણ રાજયમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે તથા શિક્ષણ અગ્ર સચિવ શ્રીમતી અંજુ શર્મા કરશે.

'સ્ટડી ઇન ગુજરાત'અભિયાન હેઠળ રાજય સરકારનુ પ્રતિનિધિ મંડળ કેન્યા, યુગાન્ડા, ઝિમ્બાબ્વે અને મોઝામ્બિકમાં ક્રમશ  ૧૩, ૧૭, ૨૦ અને ૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૦ દરમિયાન રોડ શો અને એકઝીબિશનનુ આયોજન કરવામા યોજશે. જેમાં ગુજરાતની ૧૫ અગ્રણી યુનિવર્સિટીઓના ૩૪ પ્રતિનિધિઓ ભાગ લેશે. આ રોડ શો માં  અમદાવાદ યુનિવર્સિટી, આર.કે યુનિવર્સિટી, ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, ચારુસેટ યુનિવર્સિટી, પારુલ યુનિવર્સિટી, પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી, મારવાડી યુનિવર્સિટી, ગણપત યુનિવર્સિટી, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, આઈઆઈટી-રામ, ગુજરાત યુનિવર્સિટી, એમએસયુ, સ્વર્ણિમ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન યુનિવર્સિટી, નિરમા યુનિવર્સિટી અને સંકલચંદ પટેલ યુનિવર્સિટીનો સમાવેશ થાય છે. યુગાન્ડા અને મોઝામ્બિક માટે મુખ્ય ભાગીદાર મારવાડી યુનિવર્સિટી છે જયારે કેન્યા માટે ગુજરાત યુનિવર્સિટી છે અને ઝિમ્બાબ્વે માટે પારૂલ યુનિવર્સિટી છે.

આ રોડ શો ગુજરાતના સમૃદ્ઘ શિક્ષણ ક્ષેત્રની ઝાંખી દર્શાવશે અને ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ માટે રસ ધરાવતા ઉમેદવારોને રાજયના સમૃદ્ઘ સંસાધનોથી માહિતગાર કરવામાં આવશે. આ સિવાય ઉમેદવારોને વધુ વિગતો પ્રાપ્ત થાય એ ઉદ્દેશથી રાજયની નામંકિત યુનિવર્સિટીઓ અને કોલેજોના પ્રતિનિધિઓ તેમજ પ્રતિનિધિ મંડળો પરામર્શ કરશે.

'સ્ટડી ઇન ગુજરાત'કાર્યક્ર્મ અંતર્ગત વિવિધ અભ્યાસક્રમો, અરજી પ્રક્રિયાઓ અને યુનિવર્સિટીઓ વિશે વધુ જાણવા તેમજ નોંધણી માટે સતાવાર વેબસાઇટ www.study.gujarat.gov.in ની મુલાકાત લઈ શકે છે.

(11:34 am IST)