Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

અમદાવાદની લો ગાર્ડનની ખાઉગલીનું વિજય રૂપાણી આજે કરશે લોકાર્પણ

૪ર જેટલી ફૂડવેનમાંથી સ્વાદના રસિયાઓને ફરી એક વાર મનલુભાવન ફૂડની લહેજત માણવા મળશે

અમદાવાદ, તા. ૭ : સ્થાનિક નાગરિકો ઉપરાંત વિશ્વભરના સહેલાગણીઓમાં અમદાવાદનું વિશ્વ પ્રસિદ્ધ લો ગાર્ડનનું ખાણીપીણી બજાર હોટ ફેવરિટ ફૂડ ડેસ્ટિનેશન છે એ ખાઉગલી ઉર્ફે હેપી સ્ટ્રીટ ફૂડ પ્લાઝાનું આજે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી લોકાર્પણ કરશે.

અમદાવાદમાં આવેલું જુનું અને જાણીતું લો ગાર્ડન ખાણીપીણી બજાર હવે નવા રંગરૂપ સાથે હેપી સ્ટ્રીટ ફૂડ પ્લાઝાના નામથી આજથી ફરી ધમધમતું થશે. અમદાવાદની એક ઓળખ બની ગયેલા અને વર્ષોથી ચાલતા આ ખાણીપીણી બજારને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આધુનિક ટચ આપીને ઇન્ટરનેશનલ લેવલનું ફૂડ પ્લાઝા બનાવ્યું છે. આજથી ફરી એક વાર સ્વાદના રસિયાઓને અહીંથી મનલુભાવન ફૂડની લહેજત માણવા મળશે. આ ફૂડ પ્લાઝામાં ૪ર જેલી ફૂડ વેન ઉભી રહેશે. ફૂડ પ્લાઝા સાંજે ૬ વાગ્યાથી રાત્રે ૧ વાગ્યા સુધી ખુલ્લું રહેશે. લો ગાર્ડનની આ ખાઉગલીનું રિનોવેશનનું કામ ચાલતું હોવાથી આ ખાણીપીણી બજાર બંધ હતું, પરંતુ આજથી લો ગાર્ડનના આધુનિક ટચ સાથેના ફૂડ પ્લાઝાની રોનક ફરી શરૂ થશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન અમૂલ ભટ્ટે કહ્યું હતું કે 'મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણી કાલે શુક્રવારે ફૂડ સ્ટ્રીટનું લોકાર્પણ કરશે.'

(10:05 am IST)